ગુજરાતમાં અને વડોદરામાં શ્રી અરવિંદ

વડોદરાના મહાન નરેશ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે આ નરરત્નને પારખ્યું અને 8મી ફેબ્રુઆરી 1893થી 1906 સુધી 13 વર્ષ પાંચ માસ અને 17 દિવસ શ્રી અરવિંદ ગુજરાતમાં અને વડોદરા શહેરમાં રહ્યા. પોંડીચેરીને બાદ કરતાં તેઓ આટલું લાંબુ ક્યાંય રહ્યા નથી, પોતાના વતન બંગાળમાં પણ નહીં. આ હકીકત ગુજરાત માટે અને વડોદરા શહેર માટે ઘણી જ પાવન ધન્યરૂપ ઘટના છે. ગુજરાતમાં તેઓ અમદાવાદ, સુરત, પેટલાદ, ભાદરણ, કડી, વિજાપુર, પાટણ, મહેસાણા, ગોઝારીયા, ચાણોદ, કરનાળી, માલસર, નવસારી અને ડભોઈની મુલાકાત લીધી હતી તેવા સ્પષ્ટ આધારો સાંપડે છે.

અહીં ગુજરાતમાં અને વડોદરામાં શ્રી અરવિંદના નિવાસ દરમ્યાન તેઓના ચાર ક્ષેત્રોનો મજબૂત પ્રારંભ થયો. આ ચાર ક્ષેત્રો હતા સાહિત્ય, શિક્ષણ, ક્રાંતિકારી ચળવળ અને યોગ. અહીં તેઓએ મરાઠી, ગુજરાતી, બંગાળી અને સંસ્કૃતભાષા શિખ્યા. અહીં તેમણે આ ભાષાનાં પ્રમુખ ગ્રંથોનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. વિવરણ કર્યું અને પોતાના એ વિશેના મૌલિક વિચારને શબ્દદેહ આપ્યો. શ્રી અરવિંદ સાહિત્યનો પ્રારંભ પણ અહીં થયો. અહીં જ તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ ‘સોંગ્ઝ ટુ માર્ટીલા’ પ્રસિદ્ધ થયો. કાવ્યો, નિબંધો, નાટકો, વિવેચન તથા અસંખ્ય લેખો અને ઈન્દુપ્રકાશમાં બળબળતી રાષ્ટ્ર ભાવનામાં લેખો પણ તેઓએ અહીં જ લખ્યા. અહીં હતા ત્યારે જ 29 વર્ષની ઉંમરે ઈ.સ. 1910માં તેઓ ભૂપાલચંદ્ર બોઝની પુત્રી મૃણાલીની સાથે લગ્નગ્રંથીથી જોડાયા. રાષ્ટ્રપ્રેમી મહારાજા સયાજીરાવ પણ તેમને પોતાનો નોકર ના ગણતા. તેમણે પોતાના વિશ્વાસુ અને ઉચ્ચકોટીના સાથીદાર ગણતા અને તેમને માન આપતા. વડોદરા રાજ્યનાં અનેક ઉચ્ચ હોદ્દાઓ પર તેમની બદલી કરવામાં આવી હતી તથા તેમને વડોદરા કૉલેજમાં અંગ્રેજી અને ફ્રેંચ ભાષા સાહિત્યના પ્રાધ્યાપક, વાઈસપ્રિન્સીપાલ અને એકટીંગ પ્રિન્સીપાલનો હોદ્દો આપવામાં આવ્યો હતો. બરોડા કોલેજમાં તેઓ ભારતીય વિદ્યાભવનના કુલપતિ-સાહિત્યકાર શ્રી કનૈયાલાલ મુન્શી, વિદ્યાનગરના વિશ્વકર્મા શ્રી ભાઈકાકા જેવા હજારો વિદ્યાર્થીઓના લાડીલા પ્રોફેસર હતા અને જ્યારે તેઓએ વડોદરાની વિદાય લીધી ત્યારે યુવાનોએ તેમની બગીનાં ઘોડા છોડી નાંખી પોતે તેમની બગી ખેંચી તેમના પ્રત્યેના અસીમ પ્રેમનું પ્રમાણ આપ્યું હતું. અહીં શ્રી અરવિંદે શ્રી લેલે પાસેથી યોગનું પ્રારંભિક માર્ગદર્શન મેળવ્યું હતું. અને અહીં જ તેમને નિરવ બ્રહ્મનો સાક્ષાત્કાર થયો હતો.

‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર
શ્રી અરવિંદ : રાષ્ટ્રનેતા અને મહાયોગી – જયેશભાઈ દેસાઈ