રાધાની પ્રાર્થના – શ્રી માતાજીના ‘Radha’s Prayer’ ના આધારે રચાયેલું ગીત

દરેક કડીના છેડે રાગનો સંકેત કરાયો  છે:  દા.ત. ૧. કલ્યાણ ૨. કેદાર ૩. ભૂપાલી અને ૪. બિહાગ

નાથ તને હું પ્રથમ દર્શને પામી ગઈ અનંતર.
મારા સ્વામી! જીવનનાં સર્વસ્વ ! હ્રદયના ઈશ્વર !
મારા પ્રભુ ઓ! તું મારું આ સ્વીકાર કરજે અર્પણ ,
સ્વીકારજે મુજ અર્પણ. (કલ્યાણ)

प्राणस्य प्राण: मनसो‍‌‌‍ मनस्त्वं |
त्वमेव सत्यं त्वं ऋतं बृहत् त्वं |
त्वं ही मम ईश: श्री अरविन्द: श्री अरविन्द: |
ॐ तत् सत् ज्योतिरर्विन्द: |
ॐ सत्यं ज्ञानं जयोतिरर्विन्द: | (केदार)

મારા પ્રભુ ઓ ! તું મારૂં આ સ્વીકાર કરજે અર્પણ ,
સ્વીકારજે મુજ અર્પણ. (કલ્યાણ)

તારા સમસ્ત આ વિચાર મારાં, સકળ ભાવના ચિંતન ,
મારા ઉર આવેગ , હૃદય સંકલ્પ , સકળ સંવેદન ,
મુજ અંતરના સ્પંદન .  (કલ્યાણ)

તારાં છે મુજ કારમાં અહર્નિશ , કૃતિ મારી સૌ ક્ષણક્ષણ ,
તારું છે અણુ અણુ આ તનનું , મુજ શોણિતના કણકણ ,
શોણિતના સૌ કણકણ . (ભૂપાલી)

સર્વવિધે નિરપેક્ષપણે હું તારી સદા છું , હે પ્રિયતમ !
અશેષ રૂપે અનન્યભાવે તારી રહીશ હું , હે અનુપમ !
સદાય તારી હું અનુપમ. (કેદાર)

તું જે ઈચ્છે તે જ બનીશ હું , તું જ મુજ અવલંબન ,
સદાય તારી આજ્ઞાનું , હે નાથ ! કરીશ હું પાલન,
સદા કરીશ હું પાલન,  (બિહાગ)

સુખદુ:ખ સૌ જે , હર્ષ શોક પ્રભુ! જીવન મૃત્યુ તું આપીશ ,
વરદાનો સમજીને તારાં મુજ શિર પર હું ધારીશ,
સદાય શિર પર હું ધારીશ. (ભૂપાલી)

તું આપીશ તે મારાં હિતની દિવ્ય દેણગી બનશે ,
તે સદૈવ આનંદ અનર્ગળ મધુધારા રેલવશે ,
પરમની મધુધારા રેલવશે. (કલ્યાણ)

ॐ तत् सत् ज्योतिररविन्द: |
ॐ सत्यं ज्ञानं ज्योतिररविन्द: |

You may also like...