વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે -પૃ.13

પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ,  એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે તો એનો અર્થ શું એમ થાય કે જે કંઇ રચનાઓ થાય છે તેને માટે મન તેમજ પ્રાણ જવાબદાર હોય છે,  નહિ કે ચિત્ત ?

ઉત્તર: ચિત્તની અંદર એવું કંઇક રહેલું છે જે પોતાની જાતને એ ઘડતરની પ્રક્રિયામાં પ્રયોજી દે છે અથવા ગૂઢ રીતે એ ઘડતરને નિશ્ચિત રૂપ આપી દે છે.

પ્રશ્નઃ આપે પ્રયોજેલો શબ્દ ‘ગૂઢ રીતે’ અહીં શું દર્શાવે છે ?

ઉત્તર : ખુલ્લી રીતે કે ચોક્કસપણે નહિ – અથવા તો એવી રીતે કે જેથી તમે એમ ન કહી શકો કે આ કે પેલું ચિત્ત દ્વારા થયું છે અને બાકીનું પ્રાણ દ્વારા.

પ્રશ્ન : બહારથી ફાવે તેવી અસરો ઝીલવાનું ચિત્તે શું બંધ ન કરી દેવું જોઈએ ?

ઉત્તર : હા, ચોક્કસપણે બંધ કરવું જ જોઈએ પરંતુ એનું સમગ્ર કાર્ય જ ઉપરથી, નીચેથી તથા આજુબાજુથી વસ્તુઓને ગ્રહણ કરવાનું હોઈ એ એમ કરતાં અટકી જઈ શકે નહિ. ચિત્ત જાતે કરીને એ નક્કી કરી શકતું નથી કે પોતે શું ગ્રહણ કરશે અને એ શું નહિ કરે એમાં એને બુદ્ધિ, પ્રાણમય સંકલ્પ અથવા ઉચ્ચ શક્તિની મદદ મળવી જોઈએ. પછીથી જ્યારે ઉચ્ચ ચેતનાનું અવતરણ થાય છે ત્યારે ચિત્તના રૂપાંતરની શરૂઆત થઈ જાય છે અને જે વસ્તુઓ સાચી નથી, યોગ્ય નથી, દિવ્ય નથી તથા સ્વરૂપમાં દિવ્ય તત્ત્વનો વિકાસ થવામાં જે મદદરૂપ નથી તે બધાંનો પરિત્યાગ કરી શકવાને ચિત્ત શક્તિમાન બને છે.

પ્રશ્ન : પ્રાણમય સંકલ્પ જ્યારે ચિત્તને મદદ કરે છે ત્યારે બુદ્ધિની માફક જ શું એ મુક્તપણે તેમજ બિનઅંગત ભાવે એ મદદ કરે છે ?

ઉત્તર : બુદ્ધિ તેમજ પ્રાણમય સંકલ્પના સામાન્ય પ્રકારના નિયંત્રણમાં બિનઅંગતતાની જરૂર હોતી જ નથી.

પ્રશ્ન : બહારની બાજુએથી ચિત્તમાં ધસી આવતા તેમજ બુદ્ધિમાંથી આવતા વિચારો, કામનાઓ, સંવેદનો, આવેગો વિ. ને અપણે અલગ અલગ તારવી શકીએ ખરા ?

ઉત્તર : હા, પરન્તુ ચિત્ત સંવેદનો તથા કામનાઓને બુદ્ધિમાંથી ગ્રહણ કરે છે એવું નથી હોતું. ચિત્ત બુદ્વિમાંથી વિચારોને ગ્રહણ કરે છે અને એ વિચારોને કામનાઓમાં ફેરવી નાંખે છે.

You may also like...