વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.14

પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું શકય નથી ખરું ને ?

ઉત્તર: હા.

પ્રશ્ન : ચિત્ત જ્યારે બહારની બાજુએથી (બુદ્ધિમાંથી નહિ) વિચારો, ઈચ્છાઓ વિ. ગ્રહણ કરે છે ત્યારે એ વિચારો ઈચ્છાઓ વિ. જે સ્વરૂપે આવે છે તેના તે જ સ્વરૂપે તેને સંઘરી રાખે છે કે પછી એનું પરિવર્તન કરી દે છે ?

ઉત્તર : સામાન્ય રીતે ચિત્તની અંદર સદા ફેરફાર કરવાનો પ્રતિભાવ ઉત્પન્ન થતો હોય છે – સિવાય કે ચિત્ત જ્યારે એ વસ્તુઓને પોતાનાં કરણ પાસે મોકલી આપવાને બદલે પોતાની પાસે જ એને રાખી મૂકે.

પ્રશ્ન: મનસ કલ્પનાઓ કરતું કદાચ બંધ થઈ જાય પણ એ વસ્તુઓને સમજતું બંધ કેવી રીતે થઈ જઇ શકે ?

ઉત્તર : એ વસ્તુઓને શાન્ત તેમજ નિષ્ક્રિય રીતે સમજી શકે છે અને એ રીતથી ન તો કોઇ આંદોલનો ઉત્પન્ન થાય છે કે ન તો શાંતિનો ભંગ થાય છે.

પ્રશ્ન : ચિત્ત અને અવચેતન વચ્ચે કયા પ્રકારનો સંબંધ રહેલો છે ?

ઉત્તર : સ્વરૂપના કોઈ પણ ભાગ સાથે હોય એ જ પ્રકારનો – ચિત્તમાં પણ અવચેતન ભાગ હોય છે જે વસ્તુઓની ભૂતકાળની અસરોને સંઘરી રાખે છે અને એના રૂપોને સ્વપ્નાવસ્થામાં ચેતના સમક્ષ મોકલી આપે છે અથવા તો જૂની ક્રિયાઓની એની ટેવોને જાળવી રાખે છે અને જ્યારે તક મળે ત્યારે એ ટેવોને ઉપરના ભાગમાં મોકલી આપે છે.

પ્રશ્ન : યંત્રવત્‌ કાર્ય કરતાં મનને પુનરાવૃત્ત થતા વિચારોની ઘટમાળ પૂરી પાડવાનું કાર્ય શું ચિત્ત કરતું હોય છે ?

ઉત્તર : હા.

પ્રશ્નઃ વિચારો, કામનાઓ તથા આવેગોની પ્રકૃતિ વિશે હું જાણી શકું ? માણસોની અંદર તે કેવી રીતે અને શા માટે પ્રવેશે છે ?

ઉત્તર : આ એવી વસ્તુ છે જેનો વ્યક્તિ અનુભવ કરે છે : દરેક જણ એ વિશે જે જાણે છે તેનાથી વધુ કોઈ એ અંગે કહી શકે નહિ અને એ કેવી રીતે પ્રવેશે છે ? એનો ઉત્તર છે. તેઓ વૈશ્વિક પ્રકૃતિનાં આંદોલનો રૂપે આવે છે અને જો તેઓને પ્રવેશવા દેવામાં આવે તો વ્યક્તિની અંદર તે આકાર ધારણ  કરી લે છે. બીજી કુદરતી શક્તિઓ જે રીતે આંદોલનો તથા પ્રવાહ રૂપે ફરતી હોય છે અને યોગ્ય પાત્ર મળી જતાં એની અંદર રૂપ ધારણ કરતી હોય છે તેમજ કોઈ નિશ્ચિત હેતુ માટે કાર્ય કરતી હોય છે એના જેવું જ એ હોય છે.

You may also like...