વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.15

પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે ‘ક્ષ ના વિચારો અને એની કામનાઓએ કદાચ મારા સ્વપ્નમાં મૂર્ત સ્વરૂપ ધારણ કર્યું હોય’ બીજી વ્યક્તિનો વિચાર કે એની ઈચ્છા મારા સ્વપ્નમાં કેવી રીતે મૂર્ત થઈ શકે ?

ઉત્તર : શા માટે ન થઈ શકે ? જાગ્રત અવસ્થા દરમિયાન પણ માણસોના વિચારો તેઓની જાણ બહાર એકબીજાના મનમાં હંમેશા પસાર થતા રહેતા હોય છે. તો પછી સ્વપ્નમાં પણ એવું કેમ ન બની શકે ?

પ્રશ્ન : વ્યક્તિ જો પોતાની અંદર થઇ રહેલા માતાજીનાં કાર્યને સતત તેમજ સંપૂર્ણ સંમતિ આપે તો પછી બીજાં સ્વરૂપોનો એ વ્યક્તિમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કેવી રીતે સફળ થઈ શકે ?

ઉત્તર : તમે જો ફક્ત માતાજીનાં કાર્યને જ સંમતિ આપો તો બીજાં સ્વરૂપોનો પ્રયત્ન સફળ થઇ શકે નહિ. હરેક સમયે એ સ્વરૂપો પ્રવેશ કરવાનો પ્રયત્ન કરતાં હોય છે એવું નથી. બીજી વ્યક્તિઓના વિચારો, લાગણીઓ વિ. એ (બીજી) વ્યક્તિના પોતાના કોઈ પ્રયત્ન કે ઈરાદા વગર જ આપણે ગ્રહણ કરતાં હોઈએ છીએ કારણ કે એ વસ્તુઓ વાતાવરણમાં જ રહેલી હોય છે.

પ્રશ્નઃ માણસ જો બીજાઓના વિચારો પ્રત્યે અભાન હોય તો પછી એ વિચારો વ્યક્તિની અંદર પ્રવેશી પોતાની કંઈ છાપ મૂકયા વગર જ શું પસાર ન થઈ જાય ?

ઉત્તર : ના, બિલકુલ નહિ એ વિચારો કઈ રીતે આવે છે એ જો તમે જાણતા ન હો તો તમે એને તમારા પોતાના વિચાર તરીકે સ્વીકારી લો છો અને પછી એ વિચારો વધુ શક્તિશાળી બની જાય છે.

પ્રશ્ન: શું એ સાચું છે કે કોઈ પણ વ્યક્તિને એના પોતાના વિચારો હોતા જ નથી ? વિચારો કયાં તો નિમ્ન પ્રકૃતિમાંથી – લોકો પાસેથી – કે પછી ઉચ્ચ મનમાંથી જ આવતા હોય છે ?

ઉત્તર : બધી વસ્તુઓ પ્રકૃતિમાંથી જ ઉદ્દભવે છે અને માણસો પણ એ પ્રકૃતિના જ અંશો છે – પરંતુ એ વસ્તુઓ આપણી એટલા માટે કહેવાય છે કે આપણા મનમાં એ એક નિશ્ચિત આકાર, ગોઠવણી તથા સંયોગીકરણ પ્રાપ્ત કરે છે.

પ્રશ્ન : પોતાના મનમાંથી પસાર થતા બધા વિચારો મનમાં રહેતાં નથી અમુક વિચારો પોતાની કોઈ છાપ મૂકયા વગર જ અદ્દશ્ય રીતે પસાર થઇ જાય છે જ્યારે બીજા વિચારો મનમાં રહે છે અને કાર્ય પણ કરે છે. સ્વરૂપનો કોઇ ભાગ આ વિચારોને પ્રતિભાવ આપતો હોવાથી જ આ વિચારો મનમાં રહેતાં હોય છે એવું નથી ? એમને સ્વરૂપનો કોઈ પણ ભાગ પ્રતિભાવ આપે જ નહિ તો પછી એ ત્યાં કેવી રીતે રહી શકે ?

ઉત્તર : એ પ્રતિભાવ સભાનતાપૂર્વકનો નથી હોતો વિચારો જ્યારે પૃષ્ઠભાગ પર પ્રકટ થાય છે ત્યારે જ સભાન મનને એની જાણ થાય છે અને એમનો એ સ્વીકાર કરે છે – પરંતુ મન એને એ પોતાના જ વિચારો છે એવા ખ્યાલ સાથે સ્વીકારતું હોય છે.

You may also like...