વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.16

પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં હોય તો સભાન રહી શકે ?

ઉત્તર : માણસ જ્યારે પોતાની મર્યાદિત શારીરિક વ્યક્તિતામાંથી બહાર નીકળી ગયો હોય તથા ચેતના એ શારીરિક વ્યક્તિતાની બહાર વિસ્તાર પામી હોય ત્યારે.

પ્રશ્ન : વિચારોને આપણા સ્વરૂપયંત્રની બહાર રાખવા માટે માણસ એ વિચારો પ્રત્યે ઉદાસીન ભાવ કેળવે તથા માતાજી પ્રત્યે અભીપ્સા સેવે એ જ શું ઈચ્છવા જોગ નથી ?

ઉત્તર : તમે એ પ્રમાણે કરી શકો છો – પરંતુ તમારી ઉદાસીનતાને જ સાધન બનાવી વિચારો તમારા પર કાબૂ જમાવી દે એમ ન થવું જોઇએ.

પ્રશ્ન : શું એ સાચું છે કે સામાન્ય પ્રકૃતિમાંથી આપણે જે કંઈ ગ્રહણ કરીએ છીએ તેને કોઈ ચોક્કસ આકાર હોતો નથી પરંતુ એ એક નિશ્ચિત પ્રકારની શક્તિ જ હોય છે ? એ શક્તિ આપણને વિચાર, લાગણી તેમજ આવેગરૂપે અનુભવાય એ રીતે એ શક્તિનું પરિવર્તન કેવી રીતે થતું હોય છે ?

ઉત્તર : આપણે માત્ર શક્તિ જ નહિ પરંતુ આવેગ વિચાર તેમજ લાગણીઓ પણ ગ્રહણ કરી કરીએ છીએ. બીજાઓ પાસેથી કે કુદરતમાં રહેલાં બીજાં સ્વરૂપોમાંથી તેમજ કુદરત જો પોતાની એ શક્તિને અમુક પ્રકારનું નિર્ધારિત સ્વરૂપ આપવા ઇચ્છે તો કુદરતમાંથી પણ આપણે એ વસ્તુઓ ગ્રહણ કરી શકીએ છીએ.

પ્રશ્ન: સાધક દ્વારા ત્યજાયેલા વિચાર કે આવેગની કાર્યશક્તિ તથા બળ કયાં જાય છે ?

ઉત્તર : ત્યજવામાં આવેલ બળ સમષ્ટિમાં સમાઈ જાય છે – બહુ બહુ તો એનું રૂપ નાશ પામી જાય છે; પરંતુ કાર્ય શક્તિ ત્યાં પાછી ફરે છે.

પ્રશ્ન : પ્રત્યેક વસ્તુ વૈશ્વિક પ્રકૃતિમાંથી જ વાસ્તવિકરૂપે આવતી હોય છે તો પછી આવેગો જાણે કે પોતાની અંદરથી જ ઊઠતા હોય એવું કેમ અનુભવાય છે ? 

ઉત્તર : કારણ કે માણસો પોતાની વ્યક્તિગત ચેતનામાં પુરાએલા હોય છે – એમની અંદર ઊઠતા આવેગોરૂપી સંવેદનોનાં પરિણામને તેઓ જોઇ શકે છે પરંતુ એના સ્ત્રોત તેમજ એની પ્રક્રિયાને જોઈ શકતાં નથી-માનવજીવનમાં હંમેશા એમ જ બનતું હોય છે.

You may also like...