વિશ્વજગતના દુર્દૈવનું રામબાણ ચમત્કારી ઈલાજ ખરો?…..
( ૧૯૨૪ના ૨૪ જાન્યુઆરીમાં શ્રીઅરવિંદ સાથે શ્રી દિલીપકુમાર રાયનો લાંબો વાર્તાલાપ થયો હતો. તેમાં પોતાને આ પૂર્ણયોગમાં દીક્ષા મળી શકે કે નહિ !… આ યોગમાં પદાર્પણ કરવાની શરતો શી શી હોય ? !!!…દુનિયામાં ચારે ખૂણે જોવા મળતાં દુઃખો અને યાતનાઓનું નિરાકણ ….જેવા અનેકવિધ પ્રશ્નોના પ્રતિઉત્તરો શ્રીઅરવિંદે તેમની યૌગિક વાણીમાં વિગતે આપ્યા હતાં, તેની વિગતવાર નોંધ શ્રી દિલીપકુમાર રાયે રાખી હતી. તેમાંથી આંશિક નોંધને અહીં પ્રસ્તુત કરીયે છીએ.. જિજ્ઞાસુ વાંચકે આ નોંધનું અખંડ પાન કરવા માટે, આ નોંધ જેમાંથી લેવામાં આવી છે તે મૂળ ગ્રંથનું વાંચન કરવું જરૂરી છે અને તો જ યથાર્થ દર્શન પામી શકાશે.)
(સાભાર: “અનંતના યાત્રીઓ”- દિલીપકુમાર રાય અને ઇન્દિરાદેવી અનુ: રમણલાલ સોની પૃ: ૧૧૮ થી ૧૨૮)
શ્રીઅરવિન્દનાં પ્રતિઉત્તરો :
- …. મને પોતાને પણ એક વખતે એવી ઈચ્છા થતી હતી કે યોગબળથી જગતને એક ક્ષણમાં બદલી નાખું – માનવ પ્રકૃતિને નવા ઢાળમાં ઢાળી દઉં – જગતમાં જે કઈ બૂરું છે , શોચનીય છે , તે બધાંને અબઘડી મારી સાધનાના બળથી લુપ્ત કરી નાખું.
- …. પરંતુ પૂર્ણયોગની સાધના કરતાં કરતાં મારું નવું જ્ઞાન જન્મ્યું , જેણે મારી આખી દૃષ્ટિ જ બદલી નાંખી.હવે હું જોઈ શક્યો કે અત્યારે ને અત્યારે આ બધું કરી શકાય એમ જે હું માનતો હતો તે કેવળ મારું અજ્ઞાન હતું.
- …. કારણ તે વખતે હું એ સત્ય નહોતો જાણતો કે જગતના મનુષ્યોનો ઉધ્ધાર કરવા માટે કોઈ માણસ વ્યક્તિગત રીતે વિશ્વ સમસ્યાના અંતિમ સમાધાન ઉપર પહોંચી જાય એટલું જ બસ નથી – પછી ભલેને તે માણસ ગમે તેટલો અસામાન્ય કેમ ન હોય ! – માનવજાતે પણ અધિકારી થવું પડે છે. ખરી સમસ્યા જ એ છે કે ઉપરનો પ્રકાશ ઊતરવા તૈયાર હોય, પણ જો તે ઝીલનારો આધાર એ અવતરણનો ભાર ખળવા માટે તૈયાર નહિ હોય તો એ પ્રકાશ ઊતરી નહિ શકે.
- …. એટલે , આપણે તો માત્ર એટલું કરી શકીયે કે જે કાંઈ અનુભવ આપણેને થયો હોય તે કેટલેક અંશે વહેંચી શકીયે ; એટલે કે જે જેટલું ગ્રહણ કરી શકે તેવા હોય તેમને તેટલું જ આપી શકીએ. આ પણ બહું સહેલું તો જ નથી જ , તમે પોતે કંઈક મેળવી શક્યા એટલે બીજાઓને તે બક્ષિસ દઈ દેવાની તમારામાં શક્તિ આવી ગઈ એવું માની લેવાની જરૂર નથી. કારણ કે ગ્રહણની એટલે કે મેળવવાની શક્તિ જુદા પ્રકારની હોય છે અને આપવાની શક્તિ વળી જુદા જ પ્રકારની હોય છે. આપણે કહેવું હોય તો એમ કહી શકીએ કે આપવાની શક્તિ એક ખાસ વિશિષ્ટ શક્તિ છે. કેટલાક માણસો એવા હોય છે, જે આત્મસાત કરી શકે છે, પણ બીજાને દઈ શકતા નથી. એવું પણ બને છે કે તમે આપવા માંગો તો પણ દરેક જણ તે લઇ શકતું નથી, – તેની ખરા દિલની ઈચ્છા હોય તો પણ. ટૂંકમાં, ગ્રહણ પણ કરી શકે અને દાન પણ કરી શકે ; લઇ શકે અને દઈ પણ શકે એવા માણસો બહું જૂજ હોય છે, …… એટલે સમસ્યા મુદ્દલ સહેલી નથી. કોઈ કરે પણ શું ? બધાં થોડા જ આંનદ કે જ્ઞાન ઈચ્છે છે કે તમે આપશો ?
- ….બધા વિકાસના એક જ તબ્બકે નથી, પણ જુદા જુદા પગથિયે છે, તેથી બધાંનો આંતર્વિકાસ અને જ્ઞાન સરખાં નથી હોતાં, એટલે આ વિશ્વજગતના દુર્દૈવનું કોઈ સમાધાન અથવા રામબાણ ઔષધ ચમત્કાર કરીને ઝટપટ પતાવી દેવું અસંભવિત છે, ઇતિહાસને પાને પાને આ વાતની સાક્ષી મળશે.