શ્રી અરવિંદનો પૂર્ણયોગ

શ્રી અરવિંદ યોગને બે દષ્ટિબિંદુથી નિહાળે છે. એક વ્યક્તિ પોતાના આંતર વિકાસને ઝડપી બનાવવા યોગનો આશ્રય લે છે. મધર નામની પુસ્તિકામાં શ્રી અરવિંદ કહે છે એવી બે જ શક્તિઓ છે જેમના કાર્યનો એકી સાથે યોગ થાય તો આપણી યોગસાધનાના મહાન અને કષ્ટ સાધક ઉદ્દેશને સિદ્ધ કરવા સમર્થ બને. એક નીચેથી એટલે માનવતામાંથી સાદ કરતી સ્થિર અને સદા જાગ્રત અભિપ્સા તથા ઊર્ધ્વલોકમાંથી ઉત્તર આપતી પ્રભુની કરુણા. આ અભિપ્સા જાગ્રત થાય એટલે એનો અંતરાયરૂપ જે કાંઈ હોય તેનો પરિત્યાગ કરવો રહ્યો. આ પ્રક્રિયાની સાથે સાથે જ્યારે માનવ પ્રભુને પોતાનું અશેષ આત્મસમર્પણ કરે છે ત્યારે અભિપ્સા, પરિત્યાગ, સમર્પણનો માનવ પ્રયત્ન પ્રભુની કૃપાને ખેંચી લાવે છે અને જે આંતરપ્રગતિ અન્યથા સૈકાઓમાં ના થાય એ થોડા વર્ષમાં ઘટિત થાય છે. આ વ્યક્તિનો યોગ છે. એમાં જગતનાં કાર્યોનો ત્યાગ કરવાનો નથી પરંતુ શ્રીમદ ભગવદગીતાના કર્મયોગને અનુરૂપ સર્વ કામો સમર્પિત ભાવથી કરવાના છે.

બીજો પ્રકૃતિનો યોગ છે, પૃથ્વીની અને માનવતાની ઝડપી ઉત્ક્રાંતિ માટેનો સામુહિક યોગ છે. રૂપાંતરણના આ મહાયોગ માટે પૃથ્વીના ભૌતિક અણુઓમાં પ્રથમ અતિમનસ ચેતનાને ઉતારી પ્રસ્થાપિત કરવી પડે. 1910 થી 1926 સુધી શ્રી અરવિંદ ઘોષે તપ કરી 24 નવેમ્બર 1926ને દિવસે અતિમનસ ચેતનાને પૃથ્વીના તત્વમાં પ્રસ્થાપિત કરી. આના આધાર પર સર્વોચ્ચ, મહાસમર્થ, કાળજયી રૂપાંતર કરવા માટે સમર્થ એવી અતિમનસ ચેતનાને અવતારવા માટે 1926 પછી શ્રી અરવિંદ તપસ્યા કરવા એકાંતમાં ચાલ્યા ગયા. તે અવતરણની ભૂમિકા તૈયાર કરવા તેમણે પોતાનો દેહ છોડી દેવાનું નક્કી કર્યું તથા માતાજીને આ કાર્ય પૂર્ણ કરવાનું સૂચન કર્યું. તદઅનુસાર તા. 5 ડિસેમ્બર 1950ને દિને વહેલી સવારે 1:26 કલાકે શ્રી અરવિંદ દેહમાંથી ખસી ગયા. માતાજીએ આ કાર્ય ચાલુ રાખ્યું અને 29મી ફેબ્રુઆરી 1956ને દિવસે સાંજે 7:00 વાગે અતિમનસ ચેતનાનું પૃથ્વી પર પ્રસ્થાપન શક્ય બન્યું. ત્યારથી માંડીને અતિમનસ ચેતના અત્યાર સુધી કાર્ય કરી રહી છે અને સમગ્ર રીતે પૃથ્વીનું ઝડપથી રૂપાંતરણ સાધી રહી છે. માનવજાત અતિમનસના રૂપાંતરકાર્યને સંમતિ આપશે તો શાંતિથી સમન્વય રીતે રૂપાંતર સિદ્ધ થશે. માનવો અને રાષ્ટ્રો સહકાર નહીં કરે તો તેમનો નાશ કરીને પણ અતિમનસ ચેતના શક્તિ તેના ઉદ્દેશો સિદ્ધ કરશે. પ્રભુની અને દિવ્ય શ્રીમાંની જે શક્તિ રૂપાંતર માટે કાર્ય કરી રહી છે ને એક હોવા છતાંય અનેકરૂપે અનુભવાય છે તે વ્યક્તિગત, વૈશ્વિક અને વિશ્વાતીત રૂપે સમજવી રહી, અનુભવવી રહી. આ શ્રીમાંની શક્તિને આપણામાં કાર્ય કરવા માટે આપણે પોકારવાની છે. એ પોકાર પૂર્ણરૂપે પ્રતિઘોષિત થવાં અભિપ્સા પરિત્યાગ અને સમર્પણથી તૈયાર થયેલ માનવચિત્તમાં શ્રીમાંની કૃપા કાર્યનું અવતરણ થાય છે અને માનવનું રૂપાંતર સિદ્ધ થાય છે.

‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર
શ્રી અરવિંદ : રાષ્ટ્રનેતા અને મહાયોગી – જયેશભાઈ દેસાઈ