દુર્ગાસ્તોત્ર – શ્રી અરવિંદ

 

હે મા દુર્ગે ! સિંહવાહિની ! સર્વશક્તિદાત્રી, હે મા શિવપ્રિયે ! તારી શક્તિના અંશમાંથી જન્મ પામેલા અમે ભારતના યુવકો તારા મંદિરમાં આવી પ્રાર્થના કરીએ છીએ. હે માતા, સાંભળ, ભારતમાં તું આવિર્ભાવ પામ, પ્રગટ થા.

હે મા દુર્ગે ! યુગે યુગમાં અમે માનવ દેહ લઈ, જન્મોજન્મમાં તારું જ કાર્ય કરીએ છીએ અને પાછાં તારા આનંદધામમાં આવી જઈએ છીએ. આ જન્મમાં પણ અમે તારું જ કાર્ય કરવાનું વ્રત લીધું છે. હે માતા, સાંભળ, સાંભળ, ભારતમાં તું આવિર્ભાવ પામ. અમને સહાય થા.

હે મા દુર્ગે ! સિંહવાહિની, ત્રિશૂલધારિણી, કવચધારિણી, હે સુંદરદેહા જયદાયિની માતા ! ભારત તારી પ્રતીક્ષા કરી રહ્યું છે, તારી મંગલ મૂર્તિ જોવાને ઉત્સુક થઈ રહ્યું છે. હે માતા, સાંભળ, ભારતમાં તું આવિર્ભાવ પામ, પ્રગટ થા.

હે મા દુર્ગે ! બલદાયિની, પ્રેમદાયિની, જ્ઞાનદાયિની, શક્તિસ્વરૂપિણી, ભીષણ અને સૌમ્ય- રૌદ્ર રૂપિણી ! જીવન સંગ્રામમાં અમો તારા પ્રેરેલા યોદ્ધાઓ છીએ. મા ! અમને પ્રાણમાં અને ચિત્તમાં અસુરની શક્તિ, અસુરની ઉદ્યમશીલતા આપ, હૃદયમાં અને બુદ્ધિમાં અમને દેવનું ચારિત્ર્ય, દેવનું જ્ઞાન આપ.

હે મા દુર્ગે ! જગતમાં શ્રેષ્ઠ એવી ભારતની પ્રજા ઘન અંધકારમાં પડેલી હતી. હે મા, ક્ષિતિજ ઉપર હવે તું ધીરે ધીરે ઉદય પામી રહી છે. તારા દિવ્ય શરીરની તિમિરવિનાશક પ્રભામાં ઉષાએ જન્મ લીધો છે. માતા, જ્યોતિનો વિસ્તાર કરી, તિમિરનો નાશ કર.

હે મા દુર્ગે ! શસ્યશ્યામલ અને સર્વસૌન્દર્યમયી, જ્ઞાન, પ્રેમ અને શક્તિના આધાર જેવી ભારતભૂમિ તારી વિભૂતિ છે. આજ સુધી પોતાની શક્તિને અંતરમાં સંકેલી રાખીને તેણે પોતાને ગુપ્ત રાખી હતી. હવે એ યુગ આવ્યો છે, એ દિન આવ્યો છે, ભાવિનો ભાર પોતાને સ્કંધે લઈને ભારત જનની ઊઠી છે. આવ, મા ! પ્રગટ થા.

હે મા દુર્ગે ! તારા સંતાન અમે તારો પ્રસાદ પામીને, તારી શક્તિ વડે મહાન કાર્યો માટે, મહાન ભાવનાઓ માટે સુયોગ્ય બનીએ. ક્ષુદ્રતાનો વિનાશ કર, સ્વાર્થનો વિનાશ કર, ભયનો વિનાશ કર.

હે મા દુર્ગે ! કાલીરૂપિણી, નરમુંડમાલાધારિણી, દિગંબરી, ખડગધારિણી, અસુરવિનાશિની હે દેવી ! એક ભીષણ ગર્જના કરી અમારા અંતરમાં રહેલા રિપુઓનો વિનાશ કરી દે. એક પણ રિપુ જીવતો ન રહો. અમે નિર્મળ અને વિમળ બનીએ. માતા, આ જ છે અમારી પ્રાર્થના. પ્રગટ થા.

હે મા દુર્ગે ! સ્વાર્થથી, ભયથી, અનેકાનેક ક્ષુદ્ર વ્રુત્તિઓથી ભારત મૃતપ્રાય થયું છે. અમને મહાન બનાવ, મહા પુરુષાર્થી બનાવ, ઉદારચિત્ત બનાવ, સત્યસંકલ્પ બનાવ. હવે અમને ક્ષુદ્ર ભાવનાવાળા, નિષ્ક્રિય, આળસુ, ભયભીત ન રહેવા દઈશ.

હે મા દુર્ગે ! તારી યોગશક્તિનો વિસ્તાર કર. આર્ય સંતાનો તને પ્રિય છે. અમારી લુપ્ત થયેલી વિદ્યા, ચારિત્ર્ય, મેધા, ભક્તિ, શ્રદ્ધા, તપસ્યા, બ્રહ્મચર્ય, સત્યજ્ઞાન પાછાં અમને આપ અને જગતમાં તેનો વિસ્તાર કર. હે દુર્ગતિનાશિની, જગદંબા ! માનવને સહાય કરવાને તું પ્રગટ થા.

હે મા દુર્ગે ! અમારા અંતરમાં રહેલા શત્રુઓનો સંહાર કરી બાહ્ય વિઘ્નોને પણ તું નિર્મૂળ કરી આપ. એક બળવાન, પરાક્રમી અને ઉન્નતચિત્ત એવી પ્રજા ભારતનાં પવિત્ર અરણ્યોમાં, ફળદ્રુપ ક્ષેત્રોમાં, ગગનચુંબી પર્વતોની ગોદમાં, પુણ્યસલિલ સરિતાઓને તીરે નિવાસ કરો અને ઐક્ય, પ્રેમ, સત્ય, શક્તિ, સાહિત્ય, કળા, પરાક્રમ અને જ્ઞાનમાં શ્રેષ્ઠ બનો. માનાં ચરણમાં આ જ છે પ્રાર્થના. પ્રગટ થા !

હે મા દુર્ગે ! તારું યોગબળ લઈ અમારાં શરીરમાં પ્રવેશ કર. અમે તારું યંત્ર બનીશું, તારી અશુભસંહારક તલવાર બનીશું, તારો અજ્ઞાનવિનાશક દીપક બનીશું. ભારતના યુવકોની આ અભિલાષા પૂર્ણ કર. યંત્રની સ્વામિની બની તું યંત્રને ચલાવ, અશુભની ઘાતક બની અસિ ઘુમાવ, જ્ઞાનદીપ્તિ બની તું દીપક ધર. પ્રગટ થા.

હે મા દુર્ગે ! તને પામ્યા પછી હવે અમે તારું વિસર્જન કરવાના નથી. શ્રધા, ભક્તિ અને પ્રેમના તાંતણે તને બાંધી રાખીશું. આવ મા ! અમારાં મનમાં, પ્રાણમાં, શરીરમાં પ્રગટ થા.

હે વીરમાર્ગપ્રદર્શિની, આવ ! હવે તારું વિસર્જન નહિ કરીએ. અમારું અખિલ જીવન એક અખંડ દુર્ગાપૂજા બનો. અમારાં સર્વ કર્મો માની સેવાના એક અવિરત પવિત્ર પ્રેમપૂર્ણ શક્તિમય વ્રત રૂપે બની રહો. એ જ છે પ્રાર્થના. માતા ! ભારતમાં તારો આવિર્ભાવ કર. પ્રગટ થા.

શ્રી અરવિંદ

Recent Posts

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.17

પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.16

પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.15

પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.14

પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…

6 years ago

‘સાવિત્રી’ ના પ્રતીકાત્મક પાત્રો

‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે -પૃ.13

પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ,  એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…

6 years ago