કથા આ પ્રમાણે છે-
એક વિદ્વાન યુવાન બ્રાહ્મણ (કૌશિક) જંગલમાં એક વૃક્ષ નીચે બેસી ઘણાં વર્ષોથી સાધના કરી રહ્યો હતો. એક દિવસે તે જે વૃક્ષ નીચે બેસી ધ્યાન કરી રહ્યો હતો તેના ઉપર એક કાગડો અને બગલો ઉડાઉડ દરમિયાન એક સુકી ડાળીનો ટૂકડો તે બ્રાહ્મણના માથે આવી પડ્યો. યુવાન બ્રાહ્મણ વિચલિત બની ગુસ્સે થઈ લાલચોડ દૃષ્ટિ તે ઉડી રહેલ પંખીઓ ઉપર માંડે છે અને ત્યાં પંખીઓ નીચે જમીન ઉપર આવી પડે છે અને મૃત્યુ પામે છે. આ ઘટનાને જોતાં તે યુવાન બ્રાહ્મણને મહેસુસ થયું કે પોતાનામાં એક દૃષ્ટિએ ભસ્મ કરવાની શક્તિ જાગ્રત થઈ ગઈ છે અને તેને પોતાની સાધના ઉપર ઘમંડ આવી જાય છે. ગર્વિષ્ઠ બની તે યુવાન બ્રાહ્મણ નજીકના ગામમાં ભિક્ષા માટે જાય છે. તે એક ઘરના આંગણે આવી ‘ ભિક્ષાન્દેહી” કહી ભિક્ષાની માંગણી કરે છે. ઘરની અંદરથી એક સ્ત્રીનો અવાજ સંભળાય છે, “ હે બ્રાહ્મણ દેવતા, થોડીવાર માટે દરવાજે ઉભા રહો હું ઘડીક મારાં પતિનું સેવા-કાર્ય પૂર્ણ કરી આપને ભિક્ષા આપું છું.
ઘમંડી યુવાન મનોમન વિચારે છે – હે પામર સ્ત્રી, તું મને વાટ જોવા માટે કઈ હેસિયતથી કહે છે? તને હજી મારી શક્તિનો પરિચય થયો નથી! ત્યાં જ પેલી સેવાનિષ્ઠ સ્ત્રીનો અવાજ સંભાળાય છે, “ હે બેટા, તું તારી શક્તિ બાબતે વધારે વિચાર કરીશ મા ! હું કાંઈ જંગલની કાગડી કે બંગલી નથી કે ભસ્મ થઈ જઈશ.” આ સાંભળી યુવાન બ્રાહ્મણ ચોંકી ઊઠે છે – આ સ્ત્રીને તે પક્ષીની વાત કઈ રીતે જાણી ?!!! તે યુવાન આ જાણવાની જિજ્ઞાશા સાથે વાટ જોવા લાગ્યો. થોડીવારમાં તે સેવાભાવી ગૃહિણી સ્નેહ સાથે યુવાન બ્રાહ્મણ માટે ભિક્ષા લઈ દરવાજે આવે છે. યુવાને જ્યારે આ જંગલમાં ઘટેલ ઘટના બાબતે સ્ત્રીને પુછ્યું ત્યારે તેમણે કહ્યું કે તેણે કોઈ તપસ્યાને બળે આ જાણ્યું નથી પરંતુ પૂર્ણ અને હર્ષ સાથે પોતાનો ગૃહિણી ધર્મ નિભાવી રહી છે તેને કારણે તે આપોઆપ પ્રબુધ્ધ બની ગઈ છે અને તેની સામે બધું જ સ્વયંભૂ ઉજાગર થઈ જાય છે. યુવાન બ્રાહ્મણ વધારે જિજ્ઞાશાથી સ્ત્રીને પ્રશ્નો કરે છે ત્યારે તે સ્ત્રીએ યુવાન બ્રાહ્મણને મિથિલા નગરી જઈ ધર્મ-વ્યાધ પાસે તેની જિજ્ઞાશા પૂર્ણ કરવા માટે જણાવ્યું અને કહ્યું કે તે ઘર્માભિમુખ ક્સાઈ તારા બધાં જ પ્રશ્નોના ઉત્તરો આપશે તદુપરાંત સાચા બ્રાહ્મણના લક્ષણો બાબતે પણ તને જ્ઞાન આપશે.
આ ગૃહિણીના અદ્ભૂત વચનો સાંભળી યુવાન બ્રાહ્મણને પસ્તાવો થવા લાગ્યો અને પોતાની ઘમંડી જાતને ઠપકો આપતા કહ્યું કે મહિલાની વાતનો સ્વીકાર કરી મારે મિથિલાની યાત્રા કરવી જોઈએ અને તે ધર્મ-વ્યાધને ખોળી કાઢી સાચા ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તેણે મનોમન કહ્યું કે હું જરૂરથી તે આત્મસંયમી , સંપૂર્ણપણે ધર્મના રહસ્યોથી પરિચિત કસાઈને શોધી કાઢીશ.
તે રાજા જનકની રાજધાની મિથિલા નગરી પહોંચી ગયો. એ સુંદર નગરીમાં ચારેકોર ધર્મની મહેક પસરેલી દેખાતી હતી. ત્યાં પહોંચ્યા પછી, યુવાન બ્રાહ્મણે સદાચારી કસાઈ વિશે પૂછપરછ કરી અને કેટલાક લોકો દ્વારા મળેલ દિશા નિર્દેશો મૂજબ સૂચિત સ્થાને પહોંચી ગયો.
બ્રાહ્મણ કૌશિકે દૂરથી કતલખાનામાં બેઠેલા પેલા ધર્મ-જ્ઞાની કસાઈને જોયો . ખરીદદારોની મોટી સંખ્યા વચ્ચે ઘેરાયેલો તે કસાઈ માંસ વેચી રહ્યો હતો. પરંતુ કસાઈ તે યુવાન બ્રાહ્મણને દૂરથી જોઈ લે છે અને તુરંત પોતાની બેઠક ઉપરથી ઉભો થઈ તે તેની પાસે પહોંચી જઈ કહેવા લાગ્યો,” હે બ્રાહ્મણ દેવતા , મારા પ્રણામ સ્વીકાર કરો. હું આપની શું સેવા કરી શકું ? તે પતિવ્રતા ગૃહિણીએ તમને મારી મુલાકાત લેવાની સલાહ આપી છે. હું આ બધું જાણું છું અને તે પણ જાણુ છું કે તમે કયા હેતુથી આવ્યા છો. ”
આ શબ્દો સાંભળીને બ્રાહ્મણ અવાક બની ગયો અને વિચારવા લાગ્યો કે જે હું જોઉં છું – સાંભળુ છું તે તો ખરેખર બીજી અજાયબી બની. પછી કસાઈએ વિચારોના ચક્રવામાં ઘેરાયેલ બ્રાહ્મણને કહ્યું,”અત્યારે તમે એવા સ્થાને ઊભા છો કે જે તમારા માટે અયોગ્ય છે, તો ચાલો આપણે મારા નિવાસ્સ્થાને જઈએ.” કૌશિકે કહ્યું ,” હા, ચાલો ત્યાં ઘરે જઈએ.” આમ કસાઈ પેલા બ્રાહ્મણને પોતાના નિવાસ સ્થાને લઈ ગયો. અને નિવાસસ્થાને પહોંચી કસાઈએ ઘરે પધારેલ મહેમાનને હાથ ધોવા માટે પાણી આપ્યું અને આસન આપીને તેનું સન્માન કર્યું.
ત્યારબાદ ધર્મ-જ્ઞાન બાબતે ગોષ્ઠીનો આરંભ કરતા તે યુવાન બ્રાહ્મણ બોલ્યો ,” “મને ખરેખર નથી લાગતું કે આ વ્યવસાય તમારા માટે યોગ્ય છે. ઓ ધર્મજ્ઞાની ! મને અફસોસ છે કે તમારે આવા ક્રૂર વેપારને અનુસરવું પડે છે.”
કસાઈએ કહ્યું, “ હે યુવાન, આ મારો વારસાગત વ્યવસાય છે, મેં તેને મારા પિતા અને દાદા પાસેથી વારસાગત રીતે અપનાવ્યો છે. ઓ બ્રાહ્મણ, જન્મથી મારી સાથે આવેલી ફરજોનું પાલન કરવું એ મારો ધર્મ છે. અને બ્રહ્મા દ્વારા નિર્ધારિત થયેલ ફરજોનું હું પાલન કરી હું કાળજીપૂર્વક મારા ગુરુઓ અને વરિષ્ઠ નાગરિકોની સેવા કરું છું.
અને આ રીતે જ્ઞાન ગોષ્ઠીનો આરંભ થયા બાદ આત્મસયંમી ધર્મજ્ઞાની કસાઈએ કેટલાક જ્ઞાન સૂત્રો યુવાન બ્રાહ્મણને કહ્યા –
· ઓ બ્રાહ્મણ શ્રેષ્ઠ! હું હંમેશાં સત્ય બોલું છું, અને બીજાઓને ઈર્ષ્યા કરતો નથી; અને હું મારી ક્ષમતાનુસાર દાન આપું છું. દેવતાઓ, અજાણ્યાઓ અને મારા પર આધાર રાખતા લોકોની સેવા કર્યા પછી જે બાકી રહે છે તેના પર હું જીવી રહ્યો છું.
· કૃષિ, પશુઓની સંભાળ, વેપાર, રાજકારણ અને વેદનું અધ્યયન અને અધ્યાપન (તત્વવિદ્યા) એ દુનિયામાં ભૌતિક અસ્તિત્વનો સિદ્ધાંત છે.
· શૂદ્રના વ્યવસાય માટે સેવાની રચના કરવામાં આવી છે. વૈશ્ય માટે કૃષિ અને ક્ષત્રિયનું કાર્યક્ષેત્ર છે પ્રજાનું રક્ષણ, જ્યારે બ્રહ્મચર્ય, વૈરાગ્ય, વેદમંત્રો-ગાન અને સત્યનિષ્ઠાનો અભ્યાસ બ્રાહ્મણો માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે.
· જેમ ઉગતા સૂર્ય સાથે રાતનો અંધકાર દૂર થઈ જાય છે, તે રીતે ઓ બ્રાહ્મણ શ્રેષ્ઠ, સ્વાર્થી હેતુઓ વગર કરવામાં આવેલ સારા કર્મો બધા નકારાત્મક કર્મોને વિલીન કરી દે છે.
· હે બ્રાહ્મણ , નિઃશંકપણે હું જે કામ કરું છું તે ભયાનક,આપણા કાર્યોની હકારાત્મકતા અથવા નકારાત્મકતા વિશે ઘણું કહી શકાય છે. પરંતુ જે કોઈ પણ પોતાની જાતને યોગ્ય વ્યવસાયમાં સમર્પિત હોય છે- સ્વધર્મનું પાલન કરે છે તે ચોક્કસપણે સારી પ્રતિષ્ઠા મેળવે છે.
· સંસારમાં બધું જ અસ્થાયી અને અસ્થિર છે. એકવાર આ સાચી રીતે સમજાય જાય તો વ્યક્તિ શાણપણની ઉચ્ચતમ સ્થિતિ પ્રાપ્ત કરી- દુઃખથી મુક્તિ થઈ પ્રભુ સાથે એક બની જાય છે.
છેવટે તે બુદ્ધિશાળી બ્રાહ્મણ કૌશિકે કસાઈને પૂછ્યું – ” સદવર્તન શું છે ? તેને હું કેવી રીતે જાણી શકું ?”
ત્યારે કસાઈએ ખૂબ જ ટૂંકમાં સમજાવતા કહ્યું –સદાચારી વ્યક્તિના ત્રણ લક્ષણો હોય છે –
1. કોઈપણ વ્યક્તિનું તે બુરુ ઈચ્છતો નથી – ખોટું કરતો નથી
2. તે ઉદાર હોય છે અને
3. તે સત્યનિષ્ઠ હોય છે.
અંતે વિદાય લેતા યુવાન બ્રાહ્મણે ક્સાઈને પ્રણામ કરી કહ્યું – “તમે ધર્મના શ્રેષ્ઠ ધારકો છો . તમે વધુ સમૃધ્ધ બનો અને ધર્મ તમને સુરક્ષિત રાખશે એવી શુભેચ્છા રાખુ છું. તમે ધર્મની પરંપરામાં અવિરત મંડયા રહો એવી પ્રભુ પ્રાર્થના સાથે મારે ગૃહ સ્થાને પ્રયાણ કરવાની હું તમારી પરવાનગી માગું છું.”
કસાઈ બોલ્યો, “ હા, તેમ બની રહો. સુખી રહો અને સ્વધર્મનું પાલન કરો”
ત્યારબાદ યુવાન બ્રાહ્મણ પેલા ધર્મ-નિષ્ઠ કસાઈને વંદન કરી પોતાને ઘરે પરત ફરે છે અને તેના આંધળા મા-બાપની સેવા કાર્યમાં લાગી જાય છે અને’ સ્વધર્મ’ ને અનુરૂપ આનંદ પૂર્વક જીવન વ્યતીત કરે છે.