શ્રી અરવિંદ યોગ સાધના કેન્દ્ર – તરીકે પ્રચલિત નવસારી કેન્દ્રની સ્થાપના ‘શ્રી અરવિંદ મંડળ’ તરીકે ઠેઠ 1958માં થઈ હતી. પોંડીચેરીથી ઘણા સાધકો નવસારી કેન્દ્રની મુલાકાત લીધી હતી. શ્રી સુંદરમજીએ એક શિબિર પણ કરી હતી. શ્રી અંબુભાઈ પુરાણીએ પણ મુલાકાત લીધી હતી અને તેમની સાથે કેન્દ્રમાં વાર્તાલાપ થયો હતો. આ વાર્તાલાપમાંથી આપણને કેન્દ્રના સંચાલન માટે અને આદર્શ સાધક્ની ભૂમિકા બાબતે વ્યવહારુ માર્ગદર્શન મળે
પ્રશ્ન:મંડળોમાં સામૂહિક સાધના કેવી રીતે વિકસાવી શકાય?
ઉત્તર :
સંપૂર્ણ રીતે સાધનાનો સ્વીકાર કરનાર વ્યક્તિઓ ભેગી થાય તો આ કામ થઈ શકે એટલે કે સાધના એ જ માત્ર મારું કાર્ય છે, એવું જેના મનમાં નક્કી થયું હોય, તેવી વ્યક્તિઓ થોડી પણ તૈયાર હોય તો સામૂહિક સાધના કેન્દ્રમાં ઉભી કરી શકાય. એ સમૂહ બિનઅર્થ- કેન્દ્રી અને પ્રભુકેન્દ્રી નવજીવન ઊભુ કરવા તૈયારી કરવી જોઈએ. નવા સમાજની દિશામાં સ્થાન આરંભવા માટે એકથી વધુ વ્યક્તિની જરૂર છે. તેઓ એક થઈ કામ કરે તો ઘણું થઈ શકે.
બે ત્રણ વેપાર કરનારા ભાઈઓ હોય, તેઓ ઉદ્યોગ સમર્પણની ભાવનાથી કરે. કુટુંબના નિર્વાહની અને બીજી જવાબદારીઓ ઉઠાવે એમાં કંઈ ખોટું નથી. વેપારનું કાર્ય એવું હોય કે, જે તેઓ નવા સમાજના નિર્માણની દિશામાં બીજું કોઈ ખાસ કામ ઉપાડી ન શકે, તો શેષ ઉપાર્જન માતાજીને મોકલી આપે, અગર કોઈ ત્રાહિત માણસને એ દિશામાં કામ કરવા સોંપી શકો અથવા મંડળમાં-કેન્દ્રમાં સંપૂર્ણ સમય આપનારા ભાઈઓના નિર્વાહની જવાબદારી ઉપાડી શકે. આ ભાઈઓના નિર્વાહ ઉપરાંત એ ભાઈઓના બાળકો હોય તો તેની કેળવણીની પણ જવાબદારી સ્વીકારે, આમ કામ જરા જટિલ લાગે છે, પણ વહેવારુ ઉકેલ કાઢવો કઠણ નથી.
કાર્ય નિયમિત રીતે થાય, એમાં વધુને વધુ સંપૂર્ણ બનવા પ્રયત્ન હોય એ બધું જરૂરી છે. કાર્ય હંમેશ અંતરમાંથી ઉદ્ભવવું જોઈએ.
સામાજીક સેવાનાં કાર્યો પણ ઉપાડી શકાય. પણ તે ઇશ્વરને અર્પણ કરીને કરવાં જોઈએ. કોઈ પણ કાર્યના કેન્દ્રમાં સાધનાની વૃત્તિ હોવી જોઈએ.
પ્રશ્ન: મંડળોમાં વાંચન, ધ્યાન સિવાય બીજી કઈ પ્રવૃત્તિઓ ઉપાડી શકાય ?
ઉત્તર:
વ્યક્તિઓ તૈયાર હોય તો સાધનાને કેન્દ્રમાં રાખી બીજાં કાર્યો ઉપાડી શકે. મંડળનો વિકાસ જો થાય, તો નાના ઉદ્યોગ જેવું પણ શરુ કરી શકાય. એમાંથી આવક થાય તો પછી કાર્યનો વિસ્તાર પણ કરી શકો. બીજા વધુ માણસોને રોકી શકો. વળી ધારો કે કેન્દ્રમાં કોઈ હિસાબ જાણનાર આવે તો તેને હિસાબ લખવાનું કામ આપી શકો. કોઈ દાક્તર કે વકીલ રસ લેતા થાય, તો તેમની પાસેથી પણ તેઓ આપી શકે તેવી મદદ લઈ શકાય. આ બધા અમુક વખત મંડળ માટે આપી શકે. આ રીતે કાર્ય વિસ્તારી શકાય. કાર્યની પ્રેરણા અંતરમાંથી ઉદ્ભવે તેમજ કાર્ય સમર્પિત હોય એ જરૂરી છે.
શાળાના સમય બાદ વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષણ આપી શકો. શિક્ષણ આપનાર ભાઈઓનું વલણ આધ્યાત્મિક હશે, એટલે સ્વાભાવિક રીતે બાળકો પર એની અસર થશે.
દિલ્હીના કેન્દ્રમાં સ્કૂલ શરૂ કરેલી છે. એ સ્કૂલ સરકાર મંજુર છે. સરકારની દખલ એટલી છે કે શ્રીઅરવિંદ અને શ્રી માતાજીના દૃષ્ટિબિંદુથી કેળવણી આપવી અશકય છે. હરદ્વારના કેન્દ્રમાં આયુર્વેદ દવાઓ બનાવી વેચવાની પ્રવૃત્તિ શરૂ કરેલી છે. આવી પ્રવૃત્તિઓ ઉપાડતી વખતે સાધનાની દૃષ્ટિ સાથે ધંધાની દૃષ્ટિ પણ જરૂરી હોય છે. દરેક કેન્દ્રે પોતાની પરિસ્થિતિ અને વાતાવરણ અનુસાર પ્રવૃત્તિ ઉપાડવી જોઈએ
પ્રશ્ન:સમૂહધ્યાનમાં મને કેટલીક વાર જોઈએ એવો ફાયદો જણાતો નથી, વ્યક્તિગત રીતે કેન્દ્ર ઉપર જઈ આવું છું.
ઉત્તર :
સમૂહમાં જ્યારે ધ્યાન કરવામાં આવે છે ત્યારે જેઓ આગળ વધેલા હોય તેમને એટલો ફાયદો નથી મળતો, જેટલો સાધનામાં ઓછું આગળ વધેલાને મળે છે. આગળ વધેલા માણસો માટે વ્યકિતગત ધ્યાન વધુ ફાયદાકારક છે.
પ્રશ્ન: ગૌહત્તિમાં ‘New world union’ પ્રવૃત્તિ અંગે અનિલ મુકર્જી આવેલા એમણે કહેલું કે, ‘You must grow into Mother’s consciousness.’ આનો શું અર્થ થાય ?
ઉત્તર :
એટલે કે માતાજીની ચેતના પોતાનામાં હંમેશા જાગ્રત રાખી કાર્ય કરવું. માતાજીને સતત સ્મરણમાં રાખવાં.
પ્રશ્ન : અમે અહીં એક હસ્તલિખિત પત્રિકા પ્રગટ કરીએ છીએ. એમાં શ્રી અરવિંદના જીવનદર્શનનું અનુશીલન કરતા જ લેખો લેવા કે બીજા પણ લઈ શકાય ?
ઉત્તર :
શ્રી અરવિંદ સાધના જીવનના દરેક ક્ષેત્રને આવરી લે છે. એમાં જીવનની સઘળી પ્રવૃત્તિઓનો સ્વીકાર છે, એટલે બીજા વિષયો પર લેખો લેવાય તેમાં ખાટું નથી. હા, એ લેખો ખરેખર સચ્ચાઈ પૂર્વકના, ગહન અધ્યન અને અનુશીલનના પરિપાક રૂપે પરિણમેલા હોવાં જોઈએ. અને શ્રી અરવિંદના જીવનદર્શન વિષે તમે સ્વતંત્ર તો શું લખી શકો ? પોડિંચેરીથી જેટલું ઊંચુ સાહિત્ય પ્રસિદ્ધ થાય છે તેટલું ઊંચુ તે સર્જી શકવાના જ નથી. લેખની પસંદગી કરતી વખતે તમારા ઉદ્દેશ્યમાં તમારે સ્પષ્ટતા રાખવી જોઈએ.
પ્રશ્ન: રાત્રે મને કેટલીક વાર એક સ્વપ્ન આવે છે. એમાં અર્ધચન્દ્રની અંદર હું શ્રી અરવિંદને જોઉં છું. આનો શું અર્થ ?
ઉત્તર :
ચન્દ્રનો પ્રકાશ એ આંનદનો પ્રકાશ છે. શ્રી અરવિંદ સાથે તમારો સંપર્ક છે. શ્રી અરવિંદના સ્વરૂપમાંથી કોઈક જગ્યાએ આનંદ મળતો હશે. આ સ્વપ્ન સૂક્ષ્મમાં વાસ્તવિક છે. આ અનુભવ અવાસ્તવિક બિલકુલ નથી. જેમને આવો અનુભવ ન થતો હોય તે શ્રી અરવિંદના સંપર્કમાં નથી એવું પણ નથી.
પ્રશ્ન: કેન્દ્રની આર્થિક વ્યવસ્થા માટે લવાજમ લઈ શકાય ?
ઉત્તર :
કેન્દ્રોએ પોતાની આર્થિક વ્યવસ્થા પોતાની રીતે વિચારવી જોઈએ. લવાજમ ફરજિયાત ન હોવું જોઈએ. વ્યવસ્થામાં complication જટિલતાનું તત્ત્વ ન હોય તેટલું વધારે સારું. કેન્દ્રો જનતામાં માહિતી પહોંચાડવાનું કામ કરે એ સારું છે, પણ પ્રચારની દૃષ્ટિ રાખવી નહીં.
પ્રશ્ન: કેન્દ્રમાં સવાદ (harmony) ઓછો થતો લાગે તો શું કરવું ?
ઉત્તર :
મુખ્ય કાર્ય કર્તાઓએ પોતાનું વલણ શુદ્ધ રાખવું. વિસંવાદ ઊભો કરનાર વ્યક્તિને સમજાવવા કોશિષ કરવી. આ સઘળું સમતાપૂર્વક કરવું. ન માને તો મીઠાશથી છૂટા પડવું. સંખ્યા સાધનામાં મહત્વની નથી, એ ખાસ ધ્યાનમાં રાખવું. કેટલાકને બધાના સંબંધમાં આવવાનું પસંદ નથી હોતું. તેઓ પોતાતી મેળે એકલા જ સાધના કરે એ ઠીક છે. આમ પણ ઘણી જગ્યાએ કેન્દ્ર નથી હોતાં; ત્યાં વ્યક્તિ વ્યક્તિગત રીતે જ સાધના કરે છે. એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે કેન્દ્રમાં સક્રિય રસ લેતી વ્યક્તિઓએ વ્યક્તિગત સાધના ઉપર જ ખૂબ એકામ્ર થવાનુ છે.
પ્રશ્ન: રવિવારે અમે વાંચન અને પ્રાર્થના કરીએ છીએ. ધ્યાન માટે અમુક વખત રાખીએ તો કેમ ? કેટલો સમય રાખવો ?
ઉત્તર :
પાંચથી દશ મિનિટ. વધુમાં વધુ પંદરથી વીસ મિનિટ. વધુ વખત ધ્યાન મોટા ભાગના કરી શકશે નહીં. વધુ વખત ધ્યાન કરવા જતાં માણસ કેટલીક વાર સ્થૂલ ચેતનામાં સરી જાય છે.
પ્રશ્ન: કેન્દ્રો વિષે માતાજીનો શું વિચાર છે ?
ઉત્તર:
કેન્દ્રો Spontaneous -આંતરિક અને સ્વાભાવિક રીતે વિકાસ પામે એવું શ્રી માતાજીનું માનવું છે. કેન્દ્રની પ્રગતિ સાધનાની પ્રગતિથી અંકાય, આંકડા કે સંખ્યાની પ્રગતિમાં નહીં. સાધનાના ભોગે સંખ્યા વધે એ ઈષ્ટ નથી. માતાજીની સંમતિથી કાર્યો થાય એ બરાબર છે; પણ દૈનિક સર્વ કાર્યો જોડે કંઈ માતાજી સ્થૂલ રીતે સંપર્કમાં રહી ન શકે. એ એક રીતે અશક્ય છે. ત્યાં જ માતાજી પાસે પૂરતું કામ છે. સાધનાની દૃષ્ટિ રાખી અંતરાત્માને અનુસરી પ્રવૃત્તિઓ ઉપાડવી. માતાજીને સમર્પણ કરવાનો અર્થ કેવળ બાહ્ય જ નથી લેવાતો. એને આંતરિક અર્થ મુખ્ય છે, જેને રસ હોય એવાને જ કેન્દ્રમાં લેવા. રસ ન હોય એવામાં રસ ઉત્પન્ન કરવો અશકય છે.
પ્રશ્ન: ડોક્યુમેન્ટરી ફિલ્મ શાળાના સમય બાદ બતાવીએ તે ચાલે કે ?
ઉત્તર :
હા, બતાવી શકાય.
પ્રશ્ન: ઘણા લોકોને શ્રી અરવિંદ વિષે માહિતી નથી. તેમને માહિતી કેવી રીતે પહોંચાડી શકાય ?
ઉત્તર :
લેખોના અનુવાદો તેઓને મોકલી શકાય. અરવિંદ સાહિત્યનું લિસ્ટ લાયબ્રેરીઓને, શિક્ષણસંસ્થાઓને કે વ્યક્તિઓને પોસ્ટ કરી શકાય. આ શક્યતાઓ છે. પણ કેટલીકવાર એ કોઈ જોતું પણ નથી, અને કચરાપેટીમાં નાંખે છે.
પ્રશ્ન: સંકલ્પ અને એકાત્રતા કેવી રીતે કેળવવાં ?
ઉત્તર :
એકાગ્રતા એ રસની વાત છે. રસ હોય તો એકાગ્રતા આવે છે અને એકાગ્રતામાંથી સંકલ્પબળ જાગે છે. સંકલ્પ- શકિત કૃત્રિમ રીતે જાગ્રત થતી નથી.
પ્રશ્ન: ત્યાં પોન્ડીચરીમાં તો શ્રો અરવિંદ અને શ્રી માતાજીનું સાન્નિધ્ય તમને મળ્યું છે, મળે છે, અમને કોણ અહીં દોરે? અમે તો નોધારા છીએ.
ઉત્તર :
ના, તમે નોધારા નથી. માતાજી તો અહીં પણ છે. એમની દોરવણી તમે અહીં પણ મેળવી શકો છો.
પ્રશ્ન: કાર્યક્રમ બાદ ધ્યાનખંડમાં ચર્ચાવિચારણા કે વાતો ન કરવી; કરવી હોય તો બહાર આવી કરવી, એવો નિયમ બનાવીએ તો કેમ ?
ઉત્તર :
ધ્યાનખંડમાં વાતો ન થાય એ સાધના માટે વધુ સારું છે.