11. કાળક્ર્મે પ્રાચીન ચતુર્વર્ણ વ્યવસ્થા જ્ઞાતિઓની અંધાધૂંધીરૂપી અધોગતિને પ્રાપ્ત થઇ વિકૃતિ બની ગઈ
સમાજની આખી વ્યવસ્થા ધર્મના આ ચાર વિભાગ વાળા ચાર સ્પષ્ટ વર્ગો પર પ્રતિષ્ઠિત અને સુસ્થિર કરવાનો પ્રયત્ન પ્રાચીનકાળમાં થયો હતો. આ પદ્ધતિ હિન્દની એક ખાસ વસ્તુ ન હતી. પરંતુ પ્રાચીન અને મધ્યયુગના સમાજોની પણ સામાજિક સમુત્ક્રાંતિની ચોક્કસ અવસ્થાનું (જોકે અમુક ફેરફારો હતા તો પણ) આગળ પડતું લક્ષણ હતું. સઘળા સ્વસ્થ સમાજોના જીવનમાં એ ચાર ધર્મો આજે પણ અંતર્ગત રહેલા છે ખરા, પરંતુ એવા સ્પષ્ટ જ્ઞાતિભેદ હવે કોઈ જગ્યાએ દેખાતો નથી. પ્રાચીન પદ્ધતિ સઘળે સ્થળે હવે ભાંગી પડી અને એની જગ્યાએ વધારે અસ્થિર વ્યવસ્થાએ જગા લીધી છે અથવા તો હિંદમાં બન્યું તેમ અવ્યવસ્થિત અને જટીલ સામાજિક જડતા તથા આર્થિક ગતિહિનતાએ જન્મ લીધો છે અને છેવટે જ્ઞાતિઓની અંધાધૂંધીરૂપી અધોગતિને પ્રાપ્ત થઇ જાતિઓના જમેલામાં તે વિકૃતિ બની ગઈ.