17. ગીતા બ્રાહ્મણ અને ક્ષત્રિયના કાર્યોનું વર્ણન આંતરિક સ્વભાવની પરિભાષામાં અને વૈશ્ય અને શુદ્રના કર્મોને બાહ્ય કર્તવ્યની પરિભાષામાં વ્યક્ત કરે છે એની શું કારણ હોય શકે ?

આપણે જોઇ પણ શકીએ છીએ કે ગીતા પોતે બ્રાહ્મણ અને ક્ષત્રિયના કાર્યોનું વર્ણન કરે છે ત્યારે બાહ્ય કાર્ય વ્યાપારના સ્વરૂપમાં નહીંએટલે કે પઠન, અધ્યાપન અને પુરોહિતપણું અથવા તો રાજ્ય કાર્ય, યુદ્ધ કે રાજનીતિની પરિભાષામાં નથીપરંતુ સંપૂર્ણ પણે આંતરિક સ્વભાવની પરિભાષામાં કરે છે. એની ભાષા આપણા કાનો ને થોડી વિચિત્ર પ્રતીત થાય છે.

શમ, દમ, તપ, સુચિતા, સહિષ્ણુતા, આર્જવઋજુતા, જ્ઞાન, આસ્તિકતા એટલે કે આધ્યાત્મિક સત્યનો સ્વીકાર અને અનુશીલન વિગેરેને સામાન્ય રીતે આપણે માણસના ધર્મ તરીકે , એના કર્મ, જીવન , કે વ્યવસાય તરીકે વર્ણવતા નથી. પરંતુ ગીતા નો કહેવાનો મતલબ એ જ છે કે બ્રાહ્મણનો ખરો ધર્મ આ બધી વસ્તુઓનો, એ તત્વો નો વિકાસ, આચરણ અને વહેવારમાં એની અભિવ્યક્તિ, સાત્વિક પ્રકુતિના નિયમને બાહ્યરૂપમાં ઢાળવાની શક્તિ એ છે બ્રાહ્મણનું વાસ્તવિક કાર્ય. શિક્ષા, પુરોહિતપણુ અને અન્ય બાહ્ય કર્તવ્યો તો બ્રાહ્મણકર્મ કરવા માટેના અત્યંત ઉપયુક્ત એટલે કે સગવડ ભણેલા ક્ષેત્રો છે, અંતર વિકાસ માટેના અને સમુચિત આત્મ અભિવ્યક્તિ માટેના અનુકૂળ સાધનો છે, સુસ્થિર આદર્શમાં અને ચારિત્રની બાહ્ય સંગીનતામાં પોતાની જાતને પ્રતિષ્ઠિત કરવાની પદ્ધતિ છે.

યુદ્ધ, રાજ્યવ્યવસ્થા એટલે કે શાસન કાર્ય, રાજનીતિ, નેતૃત્વ અને પ્રભુત્વ એ છે ક્ષત્રિય માટેના ક્ષેત્રો અને સાધનો. પરંતુ તેમનું વાસ્તવિક કર્મ છે રાજત્વ તથા વીરત્વથી ભરેલ સક્રિય યુદ્ધ ભાવનાના ધર્મનો વિકાસ, વહેવારમાં એની અભિવ્યક્તિ, બાહ્ય રૂપ અને ગતિમાં તેને છંદોબદ્ધ તથા સશક્ત રૂપે ઢાળવાનું કામ ક્ષત્રિયનું છે.

વૈશ્ય અને શુદ્રના કર્મોને બાહ્ય કર્તવ્યની પરિભાષામાં વ્યક્ત કરવામાં આવ્યું છે. અને બ્રાહ્મણ તથા ક્ષત્રિય ના ધર્મના વર્ણનથી વિરોધી પ્રકારનું જણાય છેઆ વિપરીત દેખાતા વલણમાં કોઈ અર્થ હોઈ શકે છે. કારણકે ઉત્પાદન અને ધનોપાર્જનમાં પ્રવૃત્તિશીલ કે શ્રમ અને સેવાના ચક્કરમાં બદ્ધ માનવપ્રકૃતિ ઘણું ખરું બહિર્મુખ હોય છે. વ્યાપારિક અને દાસોચિત મનોવૃત્તિ પોતાના કર્મને ચરિત્ર ગઠનમાં ફેરવવાની શક્તિની અપેક્ષાએ બાહ્ય મૂલ્ય આંકવામાં તે વધારે રસ લેતી હોય છે એટલે કે તેમાં જ અધિક ગ્રસ્ત રહેતી હોય છે અને આવો સ્વભાવ સાત્વિક પ્રકુતિ કે આધ્યાત્મિક કર્મ માટે એટલો અનુકૂળ હોતો નથી.

એ જ કારણને લીધે વ્યવસાયિક અને ઔદ્યોગિક યુગમાં ફક્ત બાહ્ય કર્મો અને શ્રમના વિચારોમાં વ્યસ્ત સમાજમાં વ્યક્તિ પોતાની ચારે બાજુ પણ એવું વાતાવરણ બનાવી દે છે જે આધ્યાત્મિક જીવનની અપેક્ષાએ ભૌતિક જીવનને વધુ અનુકૂળ હોય છેઉચ્ચગામી મન અને આત્માની પૂર્ણતાના કરતા પ્રાણમય જીવન માટે વધુ અનુકૂળ હોય છે. જોકે, વૈશ્ય અને શુદ્ર પ્રકૃતિ અને તેમના કાર્યોનું પણ પોતાનું આંતરિક અર્થ અને અધ્યાત્મિક મૂલ્ય હોય છે. અને તેને પણ પૂર્ણતા પ્રાપ્ત કરવા માટેના સાધન અને શક્તિ તરીકે ઉપયોગ કરી શકાય તેમ છે. ગીતામાં અન્ય જગ્યાએ કહેવાયું છે તે પ્રમાણે આધ્યાત્મિકતા, નૈતિક પવિત્રતા અને જ્ઞાનવૃત્તિવાળો બ્રાહ્મણ તથા ઉદ્દાત્તતા, વીરતા અને ઉચ્ચ ચારિત્ર્યવાળો ક્ષત્રિય જ કેવળ નહીં પરંતુ ધનની શોધમાં પડેલો વૈશ્ય કે શ્રમપાસમાં બંધાયેલો શુદ્ર, સંકુચિત તેમજ પરાધીન જીવનથી બંધાયેલી સ્ત્રી અને પાપ યોનિમાં જન્મેલો ચાંડાલ પણ આ માર્ગે ઉચ્ચતમ આંતરિક મહત્તા તેમજ આધ્યાત્મિક મુક્તિ પ્રત્યે, પૂર્ણતા પ્રત્યે અને માનવની સત્તામાં રહેલા દિવ્ય તત્ત્વોની મુક્તિ અને ચરિતાર્થતા પ્રત્યે આરોહણ કરી શકે છે.

You may also like...