ચાર સહાય – શાસ્ત્ર, ઉત્સાહ, ગુરુ અને કાળ
પૂર્ણ યોગનુ પરમશાસ્ત્ર એ છે , બુદ્વિવાળી અને જીવંત એવી દરેક વ્યક્તિના હ્રદયમાં છુપાઇ રહેલા સનાતન વેદ. સનાતન જ્ઞાન અને સનાતન પરિપૂર્ણતાનું કમળ આપણી અંદર એક બંધ કળીરૂપે બિડાઇ બેઠેલું છે. એક વાર માણસનુ મન અનંત તરફ વળવા માંડે , એક વાર તેનુ હ્રદય નાશવંત વસ્તુઓના મોહના ભારમાંથી અને ઘેરામાંથી બહાર નીકળે અને તેને પ્રભુની થોડી ઘણી પણ લગની લાગે એટલે આ કમળ ધીમે ધીમે , કે એકદમ , પોતાના સાક્ષાત્કારોની પાંખડીઓ એક પછી એક ખોલવા માંડે છે . અને તે પછી બધું જ જીવન, બધાજ વિચારો, બધી જ શક્તિઓનો વિકાસ , નિવૃતિમાં કે પ્રવૃતિમાં થતી અનુભૂતિઓ , એ બધાં જ આત્મા પરનાં આવરણોને હઠાવવાનું કામ કરે છે અને તેને પૂર્ણપણે જે ખેલવાનું જ છે તેમા આવતી બધાઓને ધક્કેલીને દૂર કરે છે . જે અનંતને પસંદ કરે તેને અનંતે પોતે પસંદ કરેલો છે . સ્પર્શ વિના આત્મા જાગતો નથી, ખીલતો ખુલતો નથી . તે દિવ્ય સ્પર્શ તેને મળી ચુક્યો છે . એક વાર એ સ્પર્શ મળી ગયો એટલે સાક્ષાત્કાર નક્કી થઇ જ ચૂક્યો . પછી ભલે એ માત્ર એક જ જિંદગીમાં સિદ્વ થઇ જાય યા તો જગતની લખચોરાસીમાં ધીરજપૂર્વક ચક્કર મારતાં મારતાં ધીમે ધીમે મેળવવો પડે. માણસના ખીલ્યે જતા આત્મામાં જે વસ્તુ છુપા જ્ઞાનરૂપે પડેલી ન હોય તે તેના મનને કદી પણ શીખવી શકાતી નથી .એ જ પ્રમાણે સર્વે બાહ્ય પૂર્ણતા (કે જે આપણે માટે શક્ય છે ) તે બીજું કાંઇ નહી પણ આપણી અંદર વસતા પરમ- આત્માનો સાક્ષાત્કાર જ છે. આપણે ભગવાનને જાણી શકીએ છીએ અને ભગવાન – રૂપ બની શકીએ છીએ એનુ કારણ એ જ છે કે આપણે આપણા છૂપા સ્વરૂપે ભગવાન જ છીએ. છૂપામાંથી છતું થાય તેનુ જ નામ નવનિર્માણ આત્મપ્રાપ્તિ એ રહસ્ય ; આત્મજ્ઞાન અને ચેતનાનો વિકાસ એ સાધન અને સાધના છે . છૂપાને આમ છતું કરવા માટેનું સામાન્ય સાધન છે શબ્દ,“ “શ્રુત” “ એટલે કે, જે સાંભળવામાં આવેલું છે. તે આ શબ્દ આપણને અંતરમાંથી આવી મળે અથવા બહારથી પણ મળી આવે. તે ગમે તે રીતે આવે તે છતાં એબીજું કાંઇ નહી પણ આપણા છૂપા જ્ઞાન – ભંડારને, જ્ઞાન-શક્તિને વહેતો મૂકવાનું એક બહાનું માત્ર હોય છે. એ શબ્દ જો અંતરમાંથી આવે તો પ્રભુ પ્રત્યે હંમેશ જાગ્રત એવા આપણા અંતરતમ આત્મમાંથી ઊઠતો હોય , અથવા સર્વ કોઇના હ્રદયમાં વસતા ગુપ્ત સદગુરુનો પણ હોય. એવા કેટલાક અપવાદ હોય છે કે જેમા આ અંતરના અવાજ સિવાય બીજા કો ઇ શબ્દની જરૂર ના પડે. તેવા લોકોનો બાકીનો સર્વ યોગ – માર્ગ આ સતત સ્પર્શ અને માર્ગદર્શનથી ખુલ્લો થતો જ જાય છે; હ્રદયકમળમાં વસતા પ્રભુમાંથી ફેલાતા પરમતેજની શક્તિથી જ્ઞાન- કમળ તેમના અંતરમાં આપોઆપ ખીલી ઊઠે છે. એવા મહાન પૂરુષો તો બહુ જ થોડા હોય છે કે જેમને માટે આવું આંતર – જ્ઞાન પૂરતું થઇ પડે અને જેમેને કોઇ લેખિત ગ્રંથ કે જીવંત ગુરુની સબળ છત્રછાયાની જરૂર ના પડે. સામાન્ય રીતે તો, જ્ઞાન અંદરથી આપોઆપ ઊગે તેમં સહાય કરવા પ્રભુના પ્રતિનિધિરૂપ બહારના શબ્દની જરૂર પડે જ છે. આ શબ્દ ભૂતકાળનો હોય યા તો કોઇ જીવંત ગુરુનો વધરે શક્તિશાળી શબ્દ એટલે કે ઉપદેશ પણ હોય. કેટલીક વાર એવુ પણ બને છે કે આવો બહારનો શબ્દ એ, અંતરની શક્તિને જાગ્રત અને વ્યક્ત કરવા માટે માત્ર એક નિમિત્ત હોય, – કેમ જાણે કે પ્રક્રુત્તિના પ્રચલિત નિયમોને માન આપવા ખાતર સર્વજ્ઞ અને સર્વશક્તિમાન પ્રભુ તેનો સ્વીકાર કરતા ના હોય ! ઉપનિષદમાં કહ્યું જ છે કે શ્રીકૃષ્ણ ભગવાને ઘોર ઋષિ પાસેથી બોધ લઇને આત્મજ્ઞાન મેળવ્યું ! અને શ્રી રામકૃષ્ણ પરમ્હંસે પણ પોતાના જ પ્રયત્નથી સાક્ષાત્કાર કર્યા પછી જુદા જુદા યોગ – માર્ગો માટે જુદા જુદા ગુરુ કર્યા ખરા, પણ તેમણે જે રીતે અને જે વેગ થી એ બધા પાર કર્યા તે જોતાં તો એમ જ લાગે છે કે શિષ્યે ગુરુ કરીને જ જ્ઞાન મેળવવું જોઇએ એ પ્રચલિત નિયમને માન આપવા ખાતર જ જાણે કે એમ કર્યુ હતું પણ સામાન્ય રીતે તો, આવા પ્રતિનિધિરૂપ શબ્દોનું સાધકના જીવનમાં વધારે મોટુ સ્થાન છે. શાસ્ત્ર, એટલે કે ભૂતકાળના યોગીઓની અનુભૂતિઓને રજૂ કરતા ગ્રંથોના આધારે જો સાધના કરવાની હોય તો તે સાધકના , માત્ર પોતાના જ, પ્રયત્નથી પણ થઇ શકે અથવા તો, સાથે સાથે, ગુરુની સહાય લઇને પણ થઇ શકે. પછી, આ પ્રમાણે શીખવા મળેલા સત્ય ઉપર મનન અને જાગ્રત બનાવવામાં આવે છે, શાસ્ત્રો કે પ્રણાલિમાં જણાવેલ માર્ગે સાધના આગળ વધે છે અને ગુરુના બોધથી તેને પ્રસ્થાપિત અને પ્રકાશિત કરવામાં આવે છે. આવી સાધના સાંકડી કે સંકુચિત હોવા છતાં સલામત અને અસરકારક હોય છે, કારણ કે એ એક સુપરિચિત ધ્યેય પર પહોંચાડતા પાકા ધોરી માર્ગ જેવી હોય છે. શાસ્ત્રનો એક બીજો પ્રકાર પણ છે : સિદ્વાંતો નહિ પણ પદ્વતિ; સાધકે પસંદ કરેલા માર્ગના અનુસરણ માટેના અસરકારક નિયમો, એટલે કે સાધના- પદ્વતિ. દરેક યોગ – માર્ગમાં આવું શાસ્ત્ર હોય છે. પછી તે લેખિત હોય કે ગુરુ- પરંપરાથી મૌખિક રીતે ચાલી આવતી પ્રણાલિકા હોય . આવા લેખિત શાસ્ત્રો કે મૌખિક પ્રણાલિકાઓને આપણા દેશમાં, સામાન્ય રીતે, ખુબ પ્રમાણભૂત ગણવામં આવે છે અને તેનું ખૂબ માન રાખવામાં આવે છે. દરેક યોગ – માર્ગની સાધના – પદ્વતિ નિશ્વિત રૂપની જ માનવામાં આવે છે અને પોતાના ગુરુ દ્વારા મેળવેલ અને અનુભૂતિ દ્વારા સાક્ષાત કરેલ, એ પ્રણાલિના પરંપરાગત માર્ગ પર ગુરુ પોતાના શિષ્યને દોરે છે. જો કોઇ નવી રીત, નવો ઉપદેશ કે જુની વિધિનું નવું સ્વરૂપ રજૂ કરે તો ઘણી વાર તેની સામે એ વાંધો ઉઠાવવામાં આવે છે કે એ શાસ્ત્રોક્ત નથી. પણ ત્તાત્વિક રીતે જોતા, કે યોગીઓએ આજ સુધી જે કાંઇ કરેલુ છે તે જોતાં , નવા બારણાં સજ્જ્ડ બંધ કરી શકાતાં નથી. લેખિત કે પરંપરાગત પ્રણાલિઓમાં અનેક સૈકાઓનો, પદ્વતિસર ગોઠવાએલો, જ્ઞાન અને અનુભવનો સંગ્રહ રજૂ કરવામાં આવ્યો હોય છે કે જેથી શિખાઉ સાધક્ને તે કામ લાગે; એટલે તેનુ મહત્વ અને ઉપયોગિતા ઘણાં જ છે. છતાં તેમાં ઘણી છુટછાટ, વિવિધતા અને ઉમેરા કરી શકાય છે. રાજયોગ જેવી ખૂબ જ શાસ્ત્રીય પ્રણાલિનો પણ પાંતજલિની વ્યવ્સ્થિત પદ્વતિ સિવાય બીજી રીતે અ ભ્યાસ કરી શકાય છે. જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગના ત્રણ માર્ગો પણ અનેક ફાંટાઓમાં વહેંચાઇ ગએલા છે અને છતા એક જ ધ્યેય પર પહોંચાડતા રહ્યા છે. એ ખરૂ છે કે યોગાભ્યાસના સામાન્ય સિદ્વાંતો નિશ્વિત હોય છે; પણ તેનો ક્રમ, ગોઠવણી ક્રિયાઓ અને વિધિઓમાં છુટછાટ હોવી જ જોઇએ; કારણ કે સામાન્ય સિદ્વાંતો ભલે નિશ્વિત અને કાયમી રહે પણ દરેક સાધકની વ્યક્તિગત પ્રકૃત્તિની માગ અને જરૂરિયાતોને તો સંતોષવી જ પડે. પણ ખાસ કરીને તો પૂર્ન અને સમન્વિત યોગના અભ્યાસને કોઇ લેખિત કે પ્રણાલિગત શાસ્ત્રથી બાંધી લેવાની જરૂર નથી; કારણ કે એ ભૂતકાળનાં સર્વ જ્ઞાનનો સ્વીકાર કરે છે એ સાચું, પણ એ તો તેને આજની અને ભવિષ્યની જરૂરિયાત માટે નવેસરથી યોજવા માંગે છે.અનુભૂતિ માટેની અને જ્ઞાનની નવા પ્રકારે નવા શબ્દોમાં રજૂ કરવાની પૂર્ણ સ્વતંત્રતા હોય તો જ એ પોતે નવો આકાર લઇ શકે. એ તો સમગ્ર જીવનને પોતાનામાં સમાવવા માગે છે; એટલે તેની સ્થિતિ ધોરી રસ્તે ચાલ્યા જતા કોઇ યાત્રિક જીવી નથી. તેણે અણખોડ્યા, અજાણ્યા જંગલમાંથી ઝાડીઓ કાપી કાપીને નવો રસ્તો બનાવતા જવાનું કામ તો ઓછામાં ઓછું કરવાનું જ છે. કારણ કે ઘણા ઘણા સમયથી યોગ જીવનથી દૂર રહ્યા કર્યો છે. વેદ સમયના ઋષિઓએ સામાન્ય સમાજજીવનનો સ્વીકાર કર્યો હતો; પણ હવે આજે એ વાત બહુ જ જૂની થઇ ગઇ છે; તેણે વાપરેલા શબ્દો અને રૂપકો આજે વ્યવહારમાં રહ્યાં નથી; તેણે સ્થાપેલી વિધિઓ આજે અજમાવી શકાય તેવી રહી નથી. અનંત કાળના પ્રવાહમાં માણસજાત આજે બહુ આગળ નીકળી ગઇ છે; અને સનાતન પ્રથાને આજે નવી નજરે તપાસવાનો રહે છે. આ યોગમાં આપણે અનંત પ્રભુને માત્ર પહોંચવા માગતા નથી, પણ તેને અહીં, અ માનવજીવનમાં ખુલ્લા થવા, સાકાઅર થવા, સાદ કરીએ છીએ. એટલે આપણા યોગના શાસ્ત્રમાં, ગ્રહણશીલ માનવાઅત્માને અનંત સ્વતંત્રતા પણ આપવી જ પડશે.માનવમાં પૂર્ણ આધ્યાત્મિક જીવનની સ્થાપના કરવા માટે એ જ માત્ર એક સાચી શરત રહેશે કે દરેક વ્યક્તિ પોતાની અંગત ભૂખનો પ્રકાર અને રીત ધ્યાનમાં રાખીને એક સંપૂર્ણ સ્વતંત્ર એવી મુલાયમતાથી પરમાત્મા અને પરાત્પરનો પોતાનામા સ્વીકાર કરે. બધા ધર્મોમાં એકતા સ્થાપવી હોય તો ધર્મનાં સ્વરૂપોમાં ખૂબ ખૂબ વિવિધતા લાવવી જ પડે એ વિષય પર વાત કરતાં એક વાર સ્વામી વિવેકાનંદે કહેલુ છે કે જ્યારે દરેક માણસને તેનો પોતાનો વ્યક્તિગત ધર્મ હશે. જ્યારે તે કોઇપણ સંપ્રદાય કે પરંપરાગત પ્રણાલિનાં બંધન સ્વીકાર્યા વિના પરમાત્માની સાથે પોતાની પ્રકૃતિને મુક્ત રીતે અનુકૂળ બનાવશે ત્યારે જ ધર્મોની સાચી એકતા તેના પૂર્ણ સ્વરૂપે સિદ્વ થશે. એ જ પ્રમાણે કહી શકાય કે : દરેક માણસની પોતાની પ્રકૃતિમાં, પ્રકૃતિથી પર થઇ જવાની એક પ્રેરણા હોય છે;તેનો આશરો લઇને જ્યારે તે પોતાની પ્રકૃતિનો વિકાસ કર્યે જશેવને એ પ્રમાણે પોતે પોતાના સ્વતંત્ર યોગ – માર્ગનું અનુસરણ કરી શકશે ત્યારે જ પૂર્ણ યોગ સંપૂર્ણ બનશે. કારણકે સ્વતંત્રતા એ સર્વોપરી સિદ્વાંત અને આખરી સિદ્વિ છે. દરેક સાધકને, આ પ્રમાણે, પોતપોતાનો સ્વતંત્ર માર્ગ મળે ત્યાં સુધી પોતાના વિચારો અને અભ્યાસમાં મદદરૂપ થઇ પડે એવી કેટલીક સામાન્ય રૂપરેખાની જરૂર પડે જ.પણ આ રૂપરેખા એ,કોઇ એક વિધિ તરીકે સ્વીકારવાની નિશ્વિત પદ્વતિ નહિ પણ સામાન્ય સત્યોની કે સામાન્ય સિદ્વાંતોની રજૂઆત અને પોતાના પ્રયત્નો અને વિકાસને માટે અતિશય જરૂરી એવી સૂચનાઓની આછીપાતળી રૂપરેખા જ હશે. કોઇ પણ શાસ્ત્ર એ, છેવટે તો, માત્ર ભૂતકાળના અનુભવોની એવી નોંધ હોય છે કે જે ભવિષ્યના અનુભવોમાં મદદરૂપ થાય. એ માત્ર એક સહાય અને અપૂર્ણ માર્ગદર્શન હોય છે. તે, જાણે કે, અગાઉ ખાતરી થઇ ગએલ દિશાઓમાં અને ધોરી માર્ગોનાં નામ બતાવતાં પાટિયં જેવા હોય છે; આથી લાભ માત્ર એટલો જ કે વટેમાર્ગુને ખબર પડે કે એ કઇ દિશામાં અને કયે માર્ગે સફર કરી રહ્યો છે. બાકીનાનો આધાર છે પોતાના પ્રયત્ન અનુભવ ઉપર, અને આપણા “એ” માર્ગદર્શકના સામર્થ્ય ઉપર.
***
અનુભૂતિઓમો વિકાસ કેટલો જલદી, કેટલો વિશાળ, કેટલો નક્કર, અને તીવ્ર થશે અને તેનાં પરિણામ કેટલા જોરદાર હશે તેનો આધાર,ખાસ કરીને તો શરૂઆતમાં (અને પછી પણ ઘણા લાંબા સમય સુધી), સાધકની અભીપ્સા અને સ્વ-પ્રયત્ન ઉપર રહે છે. માણસનો આત્મા, સામાન્ય રીતે, અહંતામય ચેતનામાં રહેતો હોય છે અને બાહ્ય આભાસો અને આકર્ષણોમાં ડૂબેલો હોય છે; તે તેમાંથી એક એવી ઊર્ધ્વ ચેતના તરફ વળે કે જ્યાંથી પરાત્પર અને પરમાત્મા પોતાની ચેતનાને તેના આ ઢાળમાં રેડવા માંડે અને તેનું રૂપાંતર કરી નાખે તે થઇ યોગની પ્રક્રિયા. એટલે સિદ્વિનો આધાર , સૌથી પહેલા તો, એ બીજી ચેતના તરફ વળવાની આપણી તીવ્રતા ઉપર, આત્માને અંતરમુખ કરનાર આપણી શક્તિ ઉપર છે. હ્રદયમાં ઉઠતી અભીપ્સાનું બળ, સંકલ્પશક્તિ, મનની એકાગ્રતા , ખંત અને મક્કમતાથી થતો શક્તિનો ઉપયોગ એ બધાં ઉપરથી આપણી તીવ્રતા કેટલી છે એ જાણી શકાય છે. બાઇબલમાં એક જગાએ ક હ્યુ છે: “પ્રભુની આ તાલાવેલી તો મને ખાઇ ગઇ છે.” જે સાધક આમ કહી શકે તે જ આદર્શ સાધક. ભગવાનને માટેનો આ ઉત્સાહ , સમગ્ર પ્રકૃતિની પ્રભુ માટેની વ્યાકુળતા, હ્રદયમાં પ્રભુ માટેની તાલાવેલી એ, સાધકના અહમને નિ:શેષ ખાઇ જાય છે. મહાનમાં મહાન અને ઉત્તમમાં ઉત્તમ પુરુષ કે પ્રકૃતિને પણ મર્યાદાઓ હોય છે; પરમાત્માને નથી; પરાત્પર તો એ બધી જ મર્યાદાઓથી પર છે; સાધક એની ઝંખના કરે તો એની તાલાવેલી એના અહમનાં તુચ્છ અને સાંકડાં માળખાંઓની મર્યાદાઓ તોડી નાખીને એ પરમાત્મા અને પરાત્પરનો સ્વીકાર કરવાની શક્તિ તેને આપે છે. જે શક્તિ પૂર્ણતાનું કાર્ય કરી રહી છે તેની આ એક જ બાજુ થઇ. પૂર્ણયોગની સાધનામાં ત્રણ ભૂમિકા છે. આ ત્રણ ભૂમિકાઓ કાંઇ સ્પષ્ટ રીતે જુદી પડતી નથી કે અલગ અલગ પણ નથી, છતા પણ કેટલેક અંશે ક્રમિક ખરી.સૌથી પહેલા, આપણે આપણી જાતને વટાવીને ભગવાનનઓ સંપર્ક સાધવાની શરૂઆત કરી શકીએ એટલા પૂરતો તો સ્વ-પ્રયત્ન હોવો જ જોઇએ. તે પછી જે આપણી જાતથી ઉપર છે અને જેની સાથે આપણે વ્યવહાર શરૂ કરી શક્યા છીએ તેનો આપણી અંદર સ્વીકાર કરઓ પડે કે જેથી આપણી સમગ્ર સચેતન જાતનું રૂંપાતર થાય. અને છેવટે , આપણી રૂપાંતર થયેલ જાતનો દુનિયામાં પ્રભુના કેન્દ્ર તરીકે ઉપયોગ થવા દેવો તે થઇ ત્રીજી ભૂમિકા, જ્યાં સુધી પ્રભુ સાથે ઠીક ઠીક સંપર્ક સાધી શકાયો ન હોય, જ્યાં સુધી પૂરતા પ્રમાણમાં સાયુજ્ય એટલે કે પ્રભુ સાથેની સતત એકતા સ્થાપી શકાય ના હોય ત્યાં સુધી, સામાન્ય રીતે, સ્વ-પ્રયત્ન આગળ પડતો રહેવો જ જોઇએ, પણ જેમ જેમ આ સંપર્ક સાધકની અંદર સ્થપાતો જાય તેમ તેમ તેણે જાગ્રત થતા જવું જોઇએ કે પોતાને નહિ એવી, પોતાના અહમ- પ્રધાન પ્રયત્ન અને વ્યક્તિથી ઉપરની એવી , એક શક્તિ પોતાની અંદર કાર્ય કરી રહી છે. તે પછી, ધીમે ધીમે , એ આ શક્તિનું શરણ સ્વીકારતો જાય છે અને પોતાની સાધનાનો હવાલો તેને સોંપતો જાય છે. છેવટે એની પોતાની સંકલ્પશક્તિ અને સામર્થ્ય ઊર્ધ્વ શક્તિની સાથે એક થઇ જાય છે. ઇશ્વ્રરેચ્છા અને એની પરાત્પર તથા વેશ્વિક શક્તિમાં તેમેનો લય કરી દે છે. અને એ પછી તે જોઇ શકે છે કે પોતાનાં મન, પ્રાણ અને શરીરના જરૂરી રૂપાંતરનુ કાર્ય તે શક્તિએ પોતાના હાથમાં લઇ લીધું છે તથા પૂર્ણ પ્રજ્ઞા વડે ધાર્યુ પરિણામ લાવી રહી છે. આ બધું કાંઇ તેના અહમની આતુરતા અને ધગશથી બની ના શકત. જ્યારે મહાશક્તિ સાથેની આ એકરૂપતા અને તેમીં પોતાની જાતનો લય સંપૂર્ણ બને છે ત્યારે જ પ્રુથ્વી ઉપરનું પ્રભુનું કેન્દ્ર તૈયાર થાય છે. આમ શુદ્વ, મુક્ત, મુલાયમ જ્યોતિર્મય, બનીને તે એ પરમ શક્તિના કાર્યમાં એક કરણ તરીકે કામ લાગી શકે છે. પરમ શક્તિનું એ કાર્ય છે એક વિશાળ યોગ ; – માનવતાનો અગર, કહોને કે,અતિમાનવતાનો – દુનિયાની આધ્યાત્મિક ઉત્ત્ક્રાંતિનો , તેના રૂપાંતરનો. સાચી વાત તો એ જ છે કે હમેશાં ઊર્ધ્વ શક્તિ જ બધું કાર્ય કરે છે આપણા અંગત પ્રયત્ન અને અભીપ્સાનુ આપાણને જે ભાન છે તેનુ કારણ એ છે કે આપણું અહંપ્રધાન મન , દિવ્ય શક્તિના કાર્યો સાથે પોતાને ખોટી અને કથોરી રીતે એકરૂપ સમજવાનો પ્રયત્ન કરે છે. એ મન પોતાના સામાન્ય, દુન્યવી અનુભવોને જે સામાન્ય, માનસિક ધોરણો લાગુ પડે છે એ જ ધોરણો તે ઊર્ધ્વ અનુભૂતિઓને પણ લાગુ પાડવાનો આગ્રહ કર્યા જ કરે છે. આપને અહમના ભાનથી જ દુનિયામા કામ કરીએ છીએ ; આપણી અંદર વિશ્વશક્તિ કાર્ય કરે છે તેને આપણે આપણી ગણી બેસીએ છીએ; મન, પ્રાણ અને શરીરના આ માળખામાં પરાત્પર શક્તિનું પસંદગી કરવાનું. આકાર આપવાનું અને વિકાસ સાધવાનું જે કાર્ય થઇ રહ્યું હોય છે તેને આપણે આપણી અંગત સંકલ્પશક્તિ, ડહાપણ, તાકાત અને સદગુણોનું પરિણામ ગણીએ છીએ ! આપણામા જ્યારે જ્ઞાનોદય થાય છે ત્યારે ખબર પડે છે કે અહમ એ તો માત્ર એક નિમિત્ત છે;ત્યારે સમજાય છે કે જે બાબતોને આપણે આપણી ગણીએ છીએ એ ખરેખર આપણી એટલા માટે છે કે આપણી પરમ અને પૂર્ણ જાત, કે જે પરાત્પર સાથે એકરૂપ છે ,
તે જાતનો તેવો એક ભાગ છે,- અને નહિ કે આપણા અંગત અહમનો. આપણો ફાળો એટલો કે આપણે તેને મર્યાદિત અને વિકૃત કરી નાખીએ છીએ ! જ્યારે એમાં જે સાચુ કાર્ય થાય છે તે હોય છે પ્રભુનું. જ્યારે માણસના અહમની આંખો ઉઘડે અને તેને દેખાય કે એની સંકલ્પશક્લ્તિ એ તો માત્ર એક પ્યાદું છે, તેનું ડહાપણ એ અજ્ઞાન અને બાલિશતા છે, તેની શક્તિ એ બાળકનાં ફાફાં છે, તેના સદગુણ એ દંભભરી અશુદ્વિ છે , અને જ્યારે પોતાનાથી ઉપર જે છે તેને તે પોતાની જાત સોંપતા શીખે છે ત્યારે જ તેનો ઉદ્વાર થાય છે.આપણને આપણી સ્વતંત્રતા અને અંગત ઇચ્છા–શક્તિનું જે ભાન અને ભાસ છે અને જેને આપણે આટલા બધા આશક્ત છીએ તેની નીચે ખરેખર તો, હજારો સૂચનો, આવેગો પરિબળોની દયાપાત્ર ગુલામી જ છુપાએલી છે. આપણે આપણી જાતને ખૂબ સાંકડી રાખીને એ બધાંને બહારનાં બનાવી દીધા છે એટલે બીજું થાય પણ શું? સ્વતંત્રતાનું અભિમાન કરતો આપણો અહમ્ એ પગલે પગલે, પ્રકૃતિનાં અગણિત અંગો, બળો, પરિબળો, અસરોનો એક માત્ર ગુલામ છે,રમકડું છે, તેના હાથમાં નાચતું પૂતળું માત્ર છે. પ્રભુના હાથમાં પોતાનું વિસર્જન એ છે અહમની આત્મકૃતાર્થતા; જે પોતાનાથી પર છે તેની શરણાગતિ એ છે સર્વબંધનોમાંથી અને મર્યાદાઓમાંથી એની મુક્તિ અને એની સંપૂર્ણ સ્વતંત્રતા. અને છતાં, વ્યવહારમાં, આ ત્રણેય ભૂમિકાઓ જરૂરી અને ઉપયોગી છે. તેથી તેમેને તેમેનું યોગ્ય સ્થાન મળવું જ જોઇએ. દાખલા તરીકે આપણે સીધા જ છેલ્લી અને ઊંચામાં ઊંચી ભૂમિકાથી શરૂઆત ના કરી શકીએ. એથી કાંઇ ધાર્યુ પરિણામ ના આવે,- અને એ સલામત પણ નથી. એ જ પ્રમાણે એક ભૂમિકામાં હજી કાચા હોઇએ અને છતાં બીજીમાં કૂદી પડીએ તો એ પણ બરાબર નથી. કારણ કે ભલેને ભલેને શરૂઆતથી જ આપણું મન અને હ્રદય પ્રભુનો સ્વીકાર કરે છતાં પણ આપણી પ્રકૃતિમાં એવા બીજાં ઘણાં તત્વો પડ્યા હોય છે, જે ક્યાંય સુધી, એ માન્યાતાનો સાક્ષાત્કાર નથી થવા દેતાં. અને જ્યાં સુધી સાક્ષાત્કાર ના થાય ત્યાં સુધી મનની માન્યતાઓ શક્તિ – સભર સત્ય નથી બનતી; એ એક માહિતી રહે છે, જીવંત સત્ય નહિ; એક ખ્યાલ રહે છે, શક્તિ નહિ. અને સાક્ષાત્કારની શરૂઆત થઇ ગઇ હોય તો પણ, એવ કલ્પના કરવી કે માની લેવું કે ભગવાને આપણને તેના હાથમાં પૂરેપૂરા લઇ લીધા છે કે આપણે ભગનાનનાં કરણ તરીકે જ કામ કરીએ છીએ, એ જોખમકારક છે; એ વધારે પડતો સ્વીકાર છે અને તેને પરિણામે કોઇ ભયંકર જૂઠાણામાં ફસાઇ જવું પડે; એથી તામસિક લાચારીમાં સરી પડાય અથવા આપણું અભિમાન આકાશ સુધી ઊંચે ચડી જઇ પોતાને ભગવાનનું લેબલ લગાવી દે; એથી કદાચ આખી જ સાધના ભયંકર રીતે વિકૃત થઇ જાય અને કદાચ સમૂળગી ભાંગી પડે પણ ખરી. એક એવો ગાળો પણ આવે જ છે ( અને એ ઠીક ઠીક લાંબો પણ હોઇ શકે) કે જ્યારે અંગત પ્રયત્ન, અને સખત મથામણ કરીને, પોતાની સંકલ્પ – શક્તિ વડે નિમ્ન પ્રકૃતિના જૂઠાણા અને વિકૃતિઓને ફેંકી દેવા પડે અને નિમ્ન પ્રકૃતિને મક્કમતાથી કે ઉગ્રતાથી ઉઠાવીને પ્રભુના પ્રકાશમાં મૂકવી પડે. માનસિક શક્તિઓ, હ્રદયની ઉર્મિઓ અને આવેગો, પ્રાણની ઇચ્છાઓ અને વાસનાઓ, અને ખુદ શરીરને પણ પરાણે સાચી નિષ્ઠામાં ધક્કેલવાં પડે છે અથવા તેમને સત્યનો સ્વીકાર કરતાં અને તેનો પ્રત્યુત્તર આપતાં શીખવવું પડે છે. અને જ્યારે આ પાર પડે – અને ખરેખર પાર પડે – ત્યારે જ માત્ર ત્યારે જ, નિમ્ન પ્રકૃતિ ઊર્ધ્વને શરણે આવે છે. કારણ કે ત્યારે જ આપણા યજ્ઞના બલિનો સ્વીકાર થાય છે. છતાં હજી ય પ્રભુએ કરેલી શરૂઆત અને સાધકમાં થતું તેનુ વહેણ એ બેની વચ્ચે એક બહુ જ મોટી ખાઇ રહે છે અને તેને પસાર કરી જવા માટે એક અંધ- ક્રિયા જરૂરી થઇ પડે છે, એવી કે જે હંમેશા કોઇ ચોક્કસ રૂપની નથી હોતી, એટલુ જ નહિ પણ કદીક તો તદ્દન ઢંગ- ધડા વગરની હોય છે. અને જ્યારે આ ખાઇ પણ પસાર થઇ જાય છે ત્યારે, પ્રગતિ- પંથના અંતે, અહમ, અસુદ્વિ, અને અજ્ઞાનનો ક્રમે ક્રમે નાશ થયા પછી જ વ્યક્તિની અંદર જે કાંઇ થાય છે તે પ્રભુનું કાર્ય બને છે.
***
જેમ પૂર્ણયોગનું પરમ શાસ્ત્ર એ દરેક મનુષ્યના હ્રદયમાં ગુપ્ત રીતે વસતો વેદ છે તે જ પ્રમાણે તેનો પરમ માર્ગ-દર્શક, પરમ ગુરુ એ પણ બીજું કોઇ નહિ પણ આપણી અંદર છુપાઇ બેઠેલો જગદ-ગુરુ જ છે. એ એ જ છે કે જે એના જ્ઞાનના ઝળહળતા પ્રકાશ વડે આપણા અંધકારનો નાશ કરે છે; અને આપણી અંદર તેનો પ્રકાશ , તેના પોતાના ઉદયની સાથે પોતાના જ મહિમાને વધારતો જાય છે. તે ધીમે ધીમે મુક્તિ , આનંદ, પ્રેમ, શક્તિ, અને અમરતાની પોતાની પ્રકૃતિ આપણી અંદર છતી કર્યે જાય છે. તેનુ ઊર્ધ્વ સ્વરૂપ આપણી આગળ એક જીવંત આદર્શ તરીકે ખડું થાય છે અને તે, તેની દષ્ટિમાં આપણને જેવા સ્વરૂપે જુએ છે તેવા બનાવવા આપણાં હલકા સ્વરૂપનું રૂપાંતર કરે છે. આપણી અંદર પોતાનો પ્રભાવ અને પોતાની જાત વહેવડાવીને તે આપણને, એક વ્યક્તિને; પરમાત્મા અને પરાત્પર સાથેની એકરૂપતા સિદ્વ કરવાની શક્તિ આપે છે. એવા ગુરુની પદ્વતિ કઇ ? અને તેની રીત કઇ? તેની કોઇ જ પદ્વતિ નથી અને દરેક પદ્બતિ તેની જ છે. અને તેની રીત છે, આપણી પ્રકૃતિ જે કાંઇ ઉત્તમ ક્રિયા કે ગતિ કે પ્રવૃતિ કરવાને શક્તિમાન છે તેને સહજ રીતે વ્યવસ્થિત કર્યે જવાની.તે તેની આ પદ્વતિ અને આ રીત નાનામાં નાની વિગતને અને તુચ્છમાં તુચ્છ લાગતા કાર્ય ઉપર અજમાવે છે; વળી, એટલી જ સંભાળ અને પૂર્ણતાથી મહાનમાં મહાન કાર્ય ઉપર પણ એને અજમાવે છે અને છેવટે, એ સહુને પ્રકાશમાં મૂકી આપે છે અને તેમનું રૂપાંતર કરી નાખે છે. કારણ કે તેના યોગમા કોઇ વસ્તુ એટલી નાની નથી કે જેને કામમાં ના લઇ શકાય, કોઇ બાબત એટલી મહાન નથી કે જે અજમાવી ના શકાય.જે કોઇ આવા માલિકનો દાસ કે શિષ્ય બને તે ન તો ગર્વ કરી શકે ન અહંકાર, કારણ કે તેનું બધું જ કામ ઉપરથી થતું આવે છે; અને તેથી, પોતાની અંગત નાલાયકી કે પ્રકૃતિની હીણપત જોઇને શોક પણ ના કરી શકે. કારણ કે તેની અંદ ર જે સામર્થ્ય કામ કરે છે તે કોઇ વ્યક્તિનું નથી, તે વ્યક્તિત્વથી પર છે અને અનંત છે. પરિપૂર્ણ પૂર્ણતાની આ સાધનામાં આ ગુરુનો, અંતરમાં બેઠેલ આ ભોમિયાનો, યોગના માલિકનો, સર્વ યત્ન અને યજ્ઞના અધિષ્ઠાતા, પ્રકાશ, ભોક્તા અને ધ્યેયનો પૂર્ણપણે સ્વીકાર કરવો એ અતિ અતિ અતિ અગત્યનું છે. એ આપણને સૌથી પહેલાં કેવી રીતે દેખા દે છે એ જરા ય અગત્યનું નથી; એ સૌથી પહેલાં, સર્વ વસ્તુઓની પાછળ રહેલ એક બિનઅંગત પ્રજ્ઞા, પ્રેમ કે શક્તિ તરીકે દેખાય, કે આ સાપેક્ષ દુનિયામાં પ્રગટ થતા અને તેને આકર્ષી રહેતા નિરપેક્ષ તરીકે,કે આપણા પોતાના અને સર્વના ઉચ્ચતમ આત્મા તરીકે,કે આપણી અંદર કે દુનિયામાં (કે તેનાં નામ-રૂપનાં આ જગતમાં કોઈ પણ એક નામ રૂપમાં) એક દિવ્ય પુરુષ તરીકે, કે પછી મનની કલ્પનાના કોઈ આદર્શ તરીકે પણ ભલે દેખાય, પણ છેવટે તો આપણે જોઈશું જ કે આ સર્વ કાંઈ એ છે અને એ સર્વેના સરવાળા કરતાં પણ કાંઈક વિશેષ છે. તેના મહેલમાં આપણું મન કયા ખ્યાલરૂપ દ્વારથી દાખલ થશે તેનો આધાર રહે છે આપણા ભૂતકાળના વિકાસ અને અત્યારની પ્રકૃતિ ઉપર. મોટે ભાગે તો આપણા અંતરમાં બેઠેલો ભોમિયો, શરૂઆતમાં પડદા પાછળ જ હોય છે. વચ્ચે, પડદા તરીકે હોય છે ખુદ આપણા પ્રત્નોના ઢગલા અને આપણા અહમના પોતાની જાત અને પોતાના ધ્યેયને માટેના વલોપાત. જેમ જેમ આપણીએ દષ્ટિ સ્પષ્ટ થતી જાય, આપણા અહમના ધમપછાડા શાંત થઇને, શાંત આંતર અવલોકનને તક આપતા જાય તેમ તેમ આપણને આપણા અંતરમાં થતો પ્રકાશનો ઉદય દેખાતો જાય છે. આપ્ણે જ્યારે આપણા ભૂતકાળ પર નજર નાખીએ છીએ ત્યારે આપણને જણાય છે કે આપણને આજે જે સારાં પરિણામો દેખાય છે. બરાબર તે જ પરિણામો લાવવા માટે આપણી આંધળી અને અથડામણવાળી દોડધામો ગોઠવાઇ રહી હતી; આપણે યોગમાર્ગ સ્વીકાર્યો તેની ય પહેલાંથી આપણા જીવનનો વિકાસ ઇરાદાપૂર્વક જ યોગ તરફ દોરાઇ રહ્યો હતો. કારણ કે, હવે જ આપણને આપણી મથામણો અને પ્રયત્નો, આપણી સફળતાઓ અને નિષ્ફ્ળતાઓનો અર્થ સમજાવા માંડે છે. આપણી કસોટીઓ અને યાતનાઓનો અર્થ છેવેટે આપડે પકડી શકીએ છીએ; અને આપણને થએલી ઇજાઓ અને વિરોધોએ અપણને જે મદદ કરી છે અને આપણી પછડાતો અને પતન જે કામમાં લાગ્યા છે તેની આપણે કદર કરી શકીએ છીએ. પણ પછી એવો સમય પણ આવે છે કે જ્યારે આપણને પ્રભુની આ મદદ પાછળથી નહિ પણ તરત જ દેખાય છે; એક પરાત્પર દષ્ટા આપણા વિચારોને ઘડી રહ્યો છે, એક સર્વગ્રાહી શક્તિ આપણી સંકલ્પ-શક્તિને અને કાર્યોને, અને સહુ કોઇને કામણ કરનારો અને સર્વને પોતામય કરી નાંખતો એક આનંદ અને પ્રેમ આપણા ઊર્મિતંત્રને યોગ્ય ઘાટ આપી રહ્યો છે તે આપણને એ જ વખતે સમજાતું જાય છે. આપણને પહેલેથી જ જે સ્પર્શ કરે છે, અને છેવેટે જે આપણને પકડમાં લે છે તેનો પણ આપણે સ્વીકાર કરી શકીએ છીએ અને તેને પણ ખુબ જ અંગત નિકટતાથી; આપણે એક પરમ માલિક, મિત્ર, પ્રેમી, ગુરુની સનાતન હાજરી અનુભવીએ છીએ. એ પોતે જેમ જેમ પોતાનો વિકાસ કરીને એક મહાન અને વિશાળ સતતાના જેવું અને તેની સાથે એકરૂપ થએલુ સ્વરૂપ ધારણ કરે છે તેમ તેમ આપણે તેને આપણી જાતના અસલ તત્વ તરીકે પિછાનતા જઇએ છીએ; કારણ કે આપણે જોઇ શકીએ છીએ કે આપણી અંદર જે આ ચમ્તકારિક ફેરફાર થઇ રહ્યો છે એ કાંઇ આપણા પોતાના પ્રયત્નનું પરિણામ નથી; એક સનાતન પરિપૂર્ણતા આપણને પોતાના જેવી ઘડી રહી છે. જેને યૌગિક તત્વવેત્તાઓએ અધિષ્ઠાતા કે ઇશ્વર, ચૈત્ય ગુરુ કે અંતર્યામી કહ્યો છે, ચિંતકોએ જેને કેવલ બ્રહ્મ, અને અજ્ઞેયવાદીઓએ જેને અજ્ઞેય કહ્યો છે તેમ જ ભૌતિકવાદીઓ જેને વિશ્વ – વ્યાપી શક્તિ કહે છે, એ જ એ પરમ આત્મા અને પરમ શક્તિ, કે જેને ધર્મોએ અનેક નામે ઓળખાવેલો અને કલ્પેલો હોવા છતા હકીકતમાં જે એકે જ છે એવો એ “એ” એ જ છે આપણા યોગનો અધિષ્ઠાતા માલિક. આ “એ” અને “એક” ને જોવો, જાણવો, તેનામય થઇ જવું અને તેના વડે આપણા અંતરને અને બાહ્ય પ્રકૃતિને કૃતાર્થ કરવી એ જ આજ સુધી આપણું છૂપું પર મ ધ્યેય હતું, અને હવે, આપણા આ ભૌતિક જીવનનું ખુલ્લેખુલ્લું લક્ષ્ય પણ એ જ બની રહે છે. આપણી જાતના દરેક ભાગમાં, અને આપણું ભાગલા-પ્રિય મન જેને આપણા સિવાયનું ગણે છે તે બધામાં ય સમાન રીતે, તેને જોવો, અનુભવવો એ જ છે આ વ્યક્તિગત જીવનની પરમ કૃતાર્થતા આપણી અંદર અને સર્વત્ર તેના થઇ જવું અને તેને આપણો કરી દેવો એ જ છે પ્રભુત્વ અને સામ્રાજ્યનો અર્થ. નિષ્ક્રિય રહીને કે સક્રીય બનીને, શાંતિમાં કે શક્તિમાં, એકતામાં કે ભેદમાં, તેને જ માણવો એ જ છે પરમ સુખ કે જેને મેળવવા આપણો જીવ, પૃથ્વી પર આવેલો આ વ્યક્તિગત આત્મા, આંધળિયાં ફાંફાં મારી રહ્યો છે. પૂર્ણયોગના ધ્યેયની પૂર્ણ વ્યાખ્યા આ જ છે : વિશ્વવ્યાપી પ્રકૃતિએ જે સત્યને પોતાની અંદર સંતાડી રાખ્યું છે અને જેને બહાર લાવવા તે તનતોડ મહેનત કરી રહી છે તેનો આપણે અંગત રીતે અનુભવ કરવો. એ જ છે માનવાઆત્માનો દિવ્ય આત્મામાં અને પ્રાકૃત જીવનનો દિવ્ય જીવનમાં પલટો. *** આ પૂર્ણ કૃતાર્થતા મેળવવાનો સૌથી વધારે ખાતરીભર્યો માર્ગ એ છે કે આપણા અંતરમાં વસતા એ રહસ્યમય મલિકને શોધી કાઢવો; દિવ્ય શક્તિ, કે જે દિવ્ય પ્રજ્ઞા અને પ્રેમ પણ છે તેની સમક્ષ આપણી જાતને સતત ખુલ્લી કરતા જવી અને આપણું પરિવર્તન કરવાનું કામ તેને સોંપી દેવું. પણ આપણી અહમભરી ચેતના એવી છે કે આ કામ કરવાનું શરૂઆતમં તો એને ગજબનું ભારે થઇ પડે છે. અને જો શરૂઆત થાય તોપણ તેને સારામાં સારી રીતે કરવું અને પ્રકૃતિની રગેરગમાં ફેલાવી દેવું એ પણ એવું જ ભારે રહે છે. શરૂઆતમાં આપણને જે મુશ્કેલીઓ પડે છે તેનું કારણ એ છે કે વિચારો, સંસ્પર્શો, લાગણીઓ વગેરે માટેની આપણી અહમ- ભરી ટેવો આપણા દષ્ટિ – માર્ગ ની વચ્ચે આવે છે અને જેને જોવાનું તેને ઢાંકી દે છે. અને પછીથી જે મુશકેલી પડે છે તેનું કારણ એ છે કે સાધનામાં જે ખૂબ જરૂરી છે તે શ્રદ્ધા, શરણાગતિ, હિંમત એ બધું. આપણો અહમ – છાયો આત્મા સહેલાઇથી મળી શકતો નથી. પ્રભુની કાર્યપદ્વતિ આપણા અહમ ભર્યા મનને પસંદ નથી, મંજૂર પણ નથી, કારણ કે પ્રભુ તો ભૂલો કરાવીને સત્ય આપે છે, સહન કરાવીને સુખ આપે છે , પૂર્ણતાનો રસ્તો અપૂર્ણતામાંથી લઇ જાય છે. અહમને સમજાતું નથી કે તેને ક્યાં દોરી જવામાં આવે છે ; તે દોરવાનો ઇન્કાર કરે છે , બળવો કરે છે , વિશ્વાસ ગુમાવી બેસે છે હિંમત હારી જાય છે. તેનો કાંઇ વાંધો નહિ. કારણ કે આપણા અંતરમા બેઠેલો ગુરુ આપણા બળવાથી ખીજાતો નથી, આપણી અશ્રદ્વાથી ડગતો નથી, આપણી નિર્બળતાથી કંટાળતો નથી ; તેનામાં તો માનો પૂર્ણ પ્રેમ અને ગુરુની પૂર્ણ ધીરજ છે . પણ તેની રાહબરીને આપણે જ્યારે નામંજુર કરીએ છીએ ત્યારે તેનાથી મળતો લાભ અપણને દેખાતો બંધ થાય છે,- જો કે લાભ તો મળતો જ રહે છે અને મળતો રહેવાની શક્યતા તો કદી જ બંધ થતી નથી. અને આપણી નામંજૂરીનું
કારણ એ હોય છે કે આપણે નથી જાણતા આપણી ઊર્ધ્વ જાત અને આપણી નિમ્ન જાતની વચ્ચેનો ભેદ ; અને એ પણ નથી જાણતા કે આપણી આ નિમ્ન જાતમાંથી જ એ પોતાનાં દર્શન માટેનું દ્વાર બનાવી રહ્યો છે. આપણને દુનિયામાં, કે આપણી જાતમા, પ્રભુના દર્શન નથી થતા તેનું કારણ છે તેની કાર્યપદ્વતિ . એ આપણી અંદર કાર્ય કરે છે આપણી પ્રકૃતિ દ્વારા અને નહિ કે મનગમતા ચમત્કારોની હારમાળા દેખાડીને. માણસ કહે છે, “ ચમત્કાર દેખાડો તો શ્રદ્વા બેસે “ પણ એનો અર્થ એ કે આંખો અંજાઇ જાય તો જ આપણે જોઇએ પણ જો આંખો જ અંજાઇ જાય તો પછી દેખાશે શું ? આપણી આ અધીરપ અને અજ્ઞાનને પરિણામે જો આપણે પ્રભુના માર્ગે જવાનો સાફ ઇન્કાર કરી દઇએ અને ચમત્કારો દેખાડી આપણને સંતોષ આપનાર કોઇ વિકૃત શક્તિને બોલાવીને અને તેને ભગવાનનું નામ આપી, આપણને દોરવાનું કહીએ તો તેના પરિણામ મહાભયંકર આવે એવો પૂરો સંભવ છે.
આપણી અંદર હોય અને છતા આપણને દેખાતી ના હોય એવી કોઇ વસ્તુમા માનવું આપણે માટે મુશ્કેલ છે એ વાત સાચી છે. વળી પોતાની બહાર અને મૂર્તિમંત હોય એમાં માનવાનું તો સહેલું જ છે. આધ્યાત્મિક વિકાસ માટે મોટા ભાગના માણસોને બાહ્ય આધારની, જેની ઉપર શ્રદ્વા મૂકી શકાય એવી કોઇ બહારની વસ્તુની જરૂર પડે જ છે.તેને ભગવાનની મૂર્તિની અથવા તો ભગવાનના પ્રતિનિધિ જેવા કોઇ પુરુષની, કોઇ અવતારની ; કોઇ દેવદૂતની, કોઇ ગુરુની જરૂર પડે છે અથવા તો એ, એવી મૂર્તિ અને એવા પુરુષ એમ બંનેની માંગણી કરે છે અને તેને એ મળે પણ છે. ભગવાન જુએ છે કે માણસના આત્માને શેની જરૂર છે. અને એ જરૂર પ્રમાણે તે કોઇ દેવતા, કે આધ્યાત્મિક પુરુષ તરીકે તેની સામે રજૂ થાય છે; પોતાના ભગવાન સ્વરૂપને પુરેપૂરું ઢાંકી દેતો કોઇક અંચળો ઓઢીને એક સામાન્ય માણસરૂપે રજૂ થઇને પણ એ પોતાની દોરવણી આપી શકે છે. આત્માની આ જરૂરને ખ્યાલમાં રાખીન્ર જ હિંદુઓને પોતાંની આધ્યાત્મિક સાધનામાં ઇષ્ટ દેવતા, અવતાર અને ગુરુનો સ્વીકાર કરેલો છે. ઇષ્ટદેવતાનો અર્થ કોઇ નીચલી કક્ષાના દેવ નહિ પણ પરાત્પર અને પરમાત્માનું જ કોઇ નામ અને રૂપ. લગભગ બધા જ ધર્મોએ ભગવાનનાં આવાં કોઇ નામ-રૂપને પોતાના ધર્મના મૂળમાં રાખેલો છે અથવા તો તેનો ઉપયોગ કરેલો છે. માનવઆત્માને તેની જરૂર છે એ તો દેખીતું જ છે. પ્રભુ સર્વે કાંઇ છે અને સર્વે કાંઇથી વિશેષ પણ છે. પણ સર્વ કાંઇથી જે એ વિશેષ છે તેનો ખ્યાલ માણસને કેવી રીતે મળવાનો હતો ? અરે એ “સર્વ કાંઇ” નો ખ્યાલ મેળવવો એ પણ શરૂઆતમાં એને મુશ્કેલ પડે છે, કારણ કે એ પોતેજ મર્યાદિત છે , તેની સક્રિય ચેતનાનો વિસ્તાર અમુક હદ સુધીનો જ છે; અને પોતાની આ મર્યાદિત ચેતના સાથે જે બંધ-બેસતું હોય તેને જ એ સમજી શકે છે, સ્વીકારી શકે છે. એ “સર્વ” માં તો એવી વસ્તુઓ પણ છે કે જે તેની સમજશક્તિમાં ઊતરી નથી શકતી અને જે તેની તેજીલી ઊર્મિઓ અને ભીરુ સંવેદનાને અતિ ભયંકર લાગે છે. વળી જે બાબતો એના અજ્ઞાનભર્યા અને સાંકડા ખ્યાલની મર્યાદાઓથી ખૂબ ખૂબ દુર હોય તેને તે જોઇ શકતો નથી. સ્વીકારી શકતો નથી, તેને તે દિવ્ય માની શકતો નથી.આથી એને ઇશ્વરનો ખ્યાલ એવો જ બતાવવો પડે છે કે જે તેંની કલ્પનાને સંતોષે, જે ભલે પોતાનાથી અતિ વિશાળ હોય છતાં પોતાની ઊંચામં ઊચી વૃતિઓ સાથે બંધ- બેસતો હોય, પોતાની લાગણીઓ અને સમજ જ્યાં સુધી પહોંચી શકતાં હોય. જો ઇશ્વરનો આવો કંઇક ખ્યાલ રજૂ કરવામાં ના આવે તો તેનો સંપર્ક સાધવાનું અને તેની સાથે વ્યવહાર કરવાનું તેને મુશકેલ પડે છે. વળી એનો સ્વભાવ એવો છે કે, તેને કોઇક કડીની પણ જરૂર પડે છે, માનવ-સ્વરૂપની કડી, કે જેથી તેને, ભગવાન માણસજાતની બ હુ પાસે લાગે, માણસ તરીકે તેને વર્તતો અનુભવી શકે. આ જરૂરને સંતોષવા માટે ભગવાન માનવસ્વરૂપ સ્વીકારે છે, અવતાર લે છે, કૃષ્ણ, ક્રાઇસ્ટ કે બુદ્વ થઇને આવે છે. અને જો આનો સ્વીકાર પણ મુશ્કેલ થવો લાગે તો તેના કરતાં પણ હળવા સ્વરૂપની કડી બનીને, પયગંબર કે જગદગુરુ થઇને આવે છે, કારણ કે એવા ઘણા માણસો હોય છે કે જેઓ માણસના રૂપમાં ભગવાન આવે એ કલ્પી જ નથી શકતા અથવા તો એમ માનવા તૈયાર નથી હોતા, પણ કોઇક ઉત્તમ પુરુષને ભગવાનના પ્રતિનિધિરૂપ, “આચાર્ય” કે “ગુરુ” જેવા નામ આપીને ( “અવતાર નહિ” ) તેમેનો સ્વીકાર કરવા તૈયાર હોય છે. પણ આ ય પૂરતું નથી થતું. કોઇક જીવંત પ્રભાવની, એકજ જીવંત દષ્ટાંતની અને કાંઇક પ્રત્યક્ષ ઉપદેશની પણ તેને જરૂર પડે છે. કારણ કે એવો તો બહુ જ ઓછા માણસો હોય છે કે જેમને પહેલાનાં પયગંબર અને તેમના સંદેશમાંથી, અગાઉના અવતાર અને તેમના દષ્ટાંત તથા પ્રભાવમાંથી પોતાના જીવનનું ભાથું મળે. આથી જ હિંદુ પ્રણાલિએ ગુરુશિષ્યનો સંબંધ યોજ્ય છે. આ ગુરુ કદીક અવતાર પોતે કે જગદગુરુ પણ હોય; પણ એમ ના હોય છતાં જો એ ગુરુ, શિષ્ય સમક્ષ, દિવ્ય જ્ઞાનને રજૂ કરતા હોય , દિવ્ય આદર્શનો અંશ પણ આપતા હોય, અથવા તો, શિષ્યને તેનામાં આત્મા અને પરમાત્માનો સંબંધ સાક્ષાત થતો હોય તો તે પણ પૂરતું થઇ પડે છે. પૂર્ણયોગનો સાધક, પોતાની પ્રકૃતિની જરૂરિયાત ધ્યાનમાં રાખીને, આમાંથી ગમે તે સહાયનો આશરો જરૂર લેશે. પણ એ ખૂબ જરૂરી છે કે એ તેમની મર્યાદાઓથી દૂર રહે અને અહમ-પ્રધાન મનમાં ” આ જ મારો ભગવાન”, “આ જ મારા ઇષ્ટ-દેવતા”, ” આ જ મારા પયગંબર”, ” આ જ મારા બધા ગુરુ” એમ પોકારી ઊઠવાનું તથા એ પોકારને બીજા બધા સાક્ષાત્કારોની સામે સાંપ્રદાયિક રીતે કે ધર્માંધતાથી વિરોધમાં ખડો કરી દેવાનું જે એક-પંથિયું વલણ હોય છે તેને પોતાનામાંથી ઉખેડીને ફેંકી દે.દરેક જાતના સાંપ્રદાયિક કે અંધ વિરોધથી તે દૂર રહે જ રહે; કારણ કે પ્રભુના પૂર્ણ સાક્ષત્કારની સાથે એ બંધ-બેસતો નથી. ઊલટાનું, જ્યાં સુધી વિવિધ નામ અને સ્વરૂપના સર્વે દેવતાઓનો એ પોતાના દેવતામાં સમાવેશ થયેલો ના જુએ, પોતાના ઇષ્ટદેવને બીજા સર્વ ઇષ્ટદેવતાઓમાં ના જુએ, જે સર્વ અવતારોમાં અવતરણ કરે છે એવી એકતામાં, સર્વ અવતારોને એક થએલા ના જુએ, સનાતન પ્રજ્ઞામાં સર્વ ઉપદેશોના સત્યને એકરસ થએલું ના જુએ, ત્યાં સુધી પૂર્ણયોગના સાધકને સંતોષ નહિ થાય. વળી, આ બધી બાહ્ય સહાયનું ધ્યેય તો આપણા આત્માને અંદર બેઠેલા પ્રભુ પ્રત્યે જાગ્રત કરવાનું છે એ વાત પણ ભૂલવાની નથી. જો એ સિદ્વ ના થાય તો કાંઇ જ સિદ્વ થયું ના ગણાય. કૃષ્ણ, ક્રાઇસ્ટ કે બુદ્વની પૂજા કરવા છતાં જો આપણા અંતરમાં એ જ બુદ્વ, એજ ક્રાઇસ્ટ કે એ જ કૃષ્ણ જાગ્રત અને સાકાર ના થાય તો એ પૂજા અધૂરી જ ગણાય. એ જ પ્રમાણે, બીજી સર્વ સહાયોનો પણ એવો જ હેતુ છે; એ દરેક, બીજું કાંઇ નહિ પણ, માનવની અવગત દશા અને તેના અંતરમાં બેઠેલા પ્રભુના પ્રાગટ્ય્ની વચ્ચે એક સેતુ માત્ર છે. *** પૂર્ણયોગનો ગુરુ, શક્ય હોય ત્યાં સુધી અંતરમાં બેઠેલા ગુરુની રીતે જ, કાર્ય કરશે. એ, શિષ્યને શિષ્યની પ્રકૃતિ દ્વારા જ દોરશે. ઉપદેશ, દષ્ટાંત , અને પ્રભાવ એ ત્રણ છે ગુરુના સાધનો. પણ સાચો ગુરુ, શાંતિથી સ્વીકાર કરી રહેલ ગ્રહણશીલ મન ઉપર પોતાની જ વાત કે મત ઠોકી બેસાડવાનો પ્રયત્ન નહી કરે એ તો, એવાં ફળદ્રુપ બીજ મૂકી આપશે કે જે ભગવાનની સંભાળથી ખાતરીબંધ ઊગી જ નીકળે. તે ઉપદેશ આપવાનું કાર્ય કરશે એના કરતા અનેક ગણું તો ઉગાડવાનું કરશે; તે પોતાની આંખ આગળ ધ્યેય રાખશે તેના શિષ્યની શક્તિઓ અને અનુભૂતિઓને, સહજ ક્રિયાઓ વડે અને મુક્ત વિસ્તાર આપીને વિકસાવવાનું. તે કોઇ સાધન-વિધિ આપશે ખરો,પણ તે માત્ર એક સહાય તરીકે, કામચલાઉ યુક્તિ તરીકે,- કોઇ અબાધ્ય મંત્ર કે યંત્રવત વિધિ તરીકે નહિ. અને એ બરાબર ધ્યાનમાં રાખશે કે કોઇ પણ સાધન પોતે જ વાડ ના બની જાય. કોઇ વિધિ યંત્રવત ના બની જાય. ગુરુનું કાર્ય માત્ર એક જ છે, દિવ્ય પ્રકાશને જાગ્રત કરવો અને દિવ્ય શક્તિને કામ કરતી કરી આપવી; એ પોતે તો એને માટેનું એકમાત્ર નિમિત્ત અને સહાય છે, એક દેહ કે વાહન છે. ઉપદેશ નહિ પણ આચરણ, પોતાનું દષ્ટાંત એ જ વધારે અસરકારક છે, સમર્થ છે; પણ બાહ્ય આચરણ કે અંગત ચારિત્ર્ય એ કાંઇ અગત્યનાં નથ્ર્ર. એમનું પણ સ્થાન અને ઉપયોગ તો છે જ; પણ બીજાઓની અબીપ્સાને પૂરી પ્રેરણા તો પોતાના સમર્ગ જીવનને, સમગ્ર ચેતનાને અને બધાં જ કાર્યોને દોરનાર એકમાત્ર પ્રભુના જીવતાજાગતા સાક્ષાત્કારથી જ મળે છે. આ જ છે અબાધિત વાત અને સારનો સાર; બીજું બધું વ્યક્તિ – વ્યક્તિએ અને સંજોગો પ્રમાણે જુદું જુદું હોઇ શકે. આ પ્રખર સાક્ષાત્કાર એ જ એક એવી વસ્તુ છે કે જે સાધકે અનુભવવાની છે અને પોતાની પ્રકૃતિને અનુરૂપ રીતે પોતાનામાં પ્રકટાવવાની છે; તેણે બાહ્ય બાબતોનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી કારણ કે એથી તો જે યથાર્થ ફળ મળવાં જોઇએ તે સુકાઇ જવાનો સંભવ છે. પ્રભાવ, અસર એ આચરણ અને દષ્ટાંતના કરતાં પણ વધારે અગત્યની બાબત છે. પ્રભાવ એટલે ગુરુની શિષ્ય ઉપર બાહ્ય સત્તા નહિ, પણ તેના સંપર્કની તેની હાજરીની સત્તા; પોતે જે કાંઇ છે, પોતાની પાસે જે કાંઇ છે તેને વગર બોલ્યે પોતાના સાનિધ્યમા, પોતાની આજુંબાજું, પોતાના આત્મામાંથી બીજાઓના આત્મામાં ફેલાવતી સત્તા, આ જ છે ગુરુનું પરમ લક્ષણ, કારણ કે મોટામાં મોટો ગુરુ એટલે ઓછામાં ઓછો ઉપદેશક અને વધારેમાં વધારે સાન્નિધ્ય, હાજરી, કે જે પોતાની આજુબાજુ કે કોઇ ગ્રહણશીલ વ્યક્તિઓ હોય તેનામાં દિવ્ય ચેતના, અને તેના જ ભાગરૂપ, પ્રકાશ, શક્તિ,શુદ્વિ, અને આનંદ રેડ્યે જ જાય. અને પૂર્ણયોગના ગુરુનું એક લક્ષણ એ પણ ખરું જ કે એ પોતે એક મિથ્યાભિમાની માનવીની માફક કે પોતાની મહાનતાના ખ્યાલથી દોરાઇને ગુરુપદ ઓઢી નહિ લે. જો એને કાંઇ પણ કાર્ય કરવાનું હોય તો તે છે માત્ર , ” ઉપરના” નું ટ્રસ્ટીપણું; એ પોતે છે માત્ર એક વાહન, એક આધાર, એક પ્રતિનિધિ.એ છે પોતાના ભાઇઓને મદદ કરતો માત્ર એક માણસ, બાળકોને દોરતો બાળક, જ્યોતિઓ પ્રગટાવતો પ્રકાશ, આત્માઓને જગાડતો, જાગેલો આત્મા અને બહુ બહુ તો પ્રભુની શક્તિઓને સાદ કરતી પ્રભુની શક્તિ અને સાન્નિધ્ય.
***
જે સાધકને આ સર્વ સહાય મળી રહે તે તેના ધ્યેયને ચોક્ક્સ પહોંચવાનો જ તેનું પતન પણ તેના ઉદયનું જ સાધન બનશે અને મૃત્યુ પણ બનશે તેની સિદ્વિની સીડી. એક વાર તેણે એ માર્ગ પકડ્યો એટલે જન્મ અને મરણ બની રહે છે જાતના વિકાસ માટેની ક્રિયાઓ અને સફરની ભૂમિકાઓ. કાળ બની રહે સાધનાની છેલ્લી સહાય, ક્રિયાઓને પાર પડતી છેલ્લી જરૂરિયાત. માણસના પ્રયત્નોને માટે કાળ એ ભલે શત્રુ હોય કે મિત્ર,- વિરોધ હોય, વાહન હોય કે સાધન; પણ આત્માને માટે તો, ખરેખર, એ છે માત્ર એક સાધન. પરિસ્થિતિ અને પ રિબળો ભેગાં મળે અને ચઢાણોની જે રચના કરે તેનો વિસ્તાર અને તેના રસ્તાનું માપ, તે કાળ. અહમની સામે છે એ એક જુલ્મગાર અને વિરોધી; ભગવાનની પાસે છે એ એક સાધન. એટલે જ જ્યાં સુધી આપણા પ્રયત્નો આપણા પોતાના અંગત પ્રયત્નો રહે ત્યાં સુધી કાળ એ એક વિરોધ ભાસે છે કારણ કે એ, આપણી શ ક્તિઓનો વિરોધ કરતી શક્તિઓને આપણા માર્ગમાં મુશ્કેલીરૂપે નાખે છે. જ્યારે પ્રભુની લીલા અને આપણા પ્રયત્નો આપણી ચેતનામાં ભેગાં થાય છે ત્યારે કાળ એ એક માર્ગ અને શરત લાગે છે. અને જ્યારે એ બે, પ્રભુની લીલા અને આપણા પ્રયત્નો, એકરૂપ થઇ જાય છે ત્યારે એ એક સેવક અને સાધક તરીકે દેખાય છે. કાળ પ્રત્યે સાધકનું આદર્શ વલણ તો એ હોય કે પોતાના ધ્યેયની સિદ્વિને માટે, કેમ જાણે, સમગ્ર અ નંતતા પાથરી પડી હોય એવી અંત વિનાની ધીરજ ધારણ કરે અને છતાં સાક્ષાત્કાર કરાવનારી એવી શક્તિ વિકસાવે કે જેથી કરીને સંજોગો પરનો કાબૂ અને પ્રગતિની ઝડપ સતત વધ્યે જ જાય અને તે પણ એટલી હદ સુધી કે પરમ દિવ્ય રૂપાંતર ચમત્કારિક રીતે અબઘડી જ સિદ્વ થાય.
શ્રી અરવિન્દ
(યોગમાર્ગોનો સમન્વ્ય – ભાગ- ૧પૃષ્ઠ-૬૧ થી ૭૮)