શ્રી અરવિંદનો સ્વાતંત્ર્યદિનનો સંદેશ

15મી ઓગસ્ટ 1947ના થોડા દિવસ પહેલાં ત્રિચી આકાશવાણીના નિયામકે શ્રી અરવિંદને વિનંતી કરી કે આપ તો આઝાદી સંગ્રામના અગ્રીમ નેતા તથા મહાયોગી રહ્યા છો, આપે આપના યોગનો વિનિયોગ ભારતની સ્વતંત્રતા માટે કર્યો છે. આજે જ્યારે ભારત સ્વતંત્ર થઈ રહ્યું છે ત્યારે આપનો આપના દેશબાંધવને શું સંદેશો આપવાનો છે ? વિશ્વના પરિપ્રેક્ષ્યમાં ભારતની આઝાદીનું શું રહસ્ય છે ? આ પ્રસંગે શ્રી અરવિંદે એક અતિસ્મરણીય ભાવિદર્શન સમો સંદેશ આપ્યો. પોતાના સંદેશમાં શ્રી અરવિંદે જણાવ્યું કે ‘મારા જન્મદિને ભારતને આઝાદી મળી રહી છે એ પ્રભુની મારા પ્રયત્નો પર મહોરરૂપ છે. મેં પાંચ સ્વપ્ન નાનપણથી સેવ્યા છે અને સમયમાર્ગ ઉપર એ સાકાર થઈ રહ્યા છે :

[1] અખંડ, અવિભાજ્ય સ્વતંત્ર ભારતનું સ્વપ્ન. સ્વતંત્રતા તો આવી છે પરંતુ સાથે આવ્યા છે ભારત અને પાકિસ્તાનના ભાગલા. શ્રી અરવિંદ કહે છે કે આ ભાગલા જવા જ જોઈએ અને જશે જ. એક અખંડ ભારતનું સર્જન થશે.

[2] જગતના ઈતિહાસમાં એશિયાના દેશો હવે એક પછી એક સ્વતંત્ર થશે અને મહત્વનો ભાગ ભજવતા થશે. ભારત, ચીન, જાપાન, કોરીયા વગેરે દેશો આનો પુરાવો છે.

[3] આજની અલગ અલગ સાર્વભૌમ રાજ્યોની વ્યવસ્થાનો અંત આવશે. એક વર્લ્ડ સ્ટેટની રચના થશે જે એકતામાં વિવિધતાના સિદ્ધાંત પર આધારિત હશે.

[4] વિશ્વનો માનવ સમાજ જે આજે મનોવૈજ્ઞાનિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રશ્નોથી ત્રસ્ત છે તે તેના ઉકેલ માટે વધુ ને વધુ ભારતના પ્રાચીન યોગ અને તંત્ર તરફ વળશે.

[5] પૃથ્વી પરની ઉત્ક્રાંતિમાં આજે માનવી ટોચ પર છે. પરંતુ આજનો માનવ અર્ધપશુ અને અર્ધમાનવ છે. ઉત્ક્રાંતિમાં આજના માનવનું અતિક્રમણ થશે અને આ પૃથ્વી પર નવમાનવનો પ્રાદુર્ભાવ થશે. આ નવી માનવ ચેતના આજની માનવ ચેતનાથી ઘણી જુદી અને ઊંચી હશે. એક સ્વર્ણમય માનવસંસ્કૃતિ પૃથ્વીને પાટલે સ્થપાશે. પૃથ્વીની ઉત્ક્રાંતિમાં એક નિર્ણાયક આગેકદમ લેવામાં આવશે.

‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર
શ્રી અરવિંદ : રાષ્ટ્રનેતા અને મહાયોગી – જયેશભાઈ દેસાઈ