વડોદરા રાજ્યની પ્રજા માટે મહારાજા સયાજીરાવ ત્રીજા (૧૧ ફેબ્રુઆરી ૧૮૬૩ – ૬ ફેબ્રુઆરી ૧૯૩૯) દેવ સમાન હતા. ક્યારેક અમે દાદા સમક્ષ મહારાજાની કાંઈક ટીકા કરી લેવાનો અટકચાળો કરીએ તો એ છળી ઊઠે. આક્રોશમાં આવીને કહેઃ ‘મહારાજા વિશે આવું કહે છે?’ પ્રજાવત્સલ રાજવી તરીકે એમના નવસારીથી મહેસાણા અને અમરેલી લગી પથરાઈને પડેલા વડોદરા રાજ્યની પ્રજાને અન્ય રજવાડાંની પ્રજાએ દરબાર તરફથી સહેવા પડતા જુલ્મોની તુલનામાં સુખ હતું. વેઠ પ્રથા હતી ખરી, પણ એની સામે ફરિયાદ થતાં મહારાજાના દરબારે એની નાબૂદી ફરમાવેલી. ન્યાયનું તંત્ર, શિક્ષણનો આગ્રહ જ નહીં, અત્યંજો માટેની શાળાઓ ખોલીને અને ગામડે ગામડે ગ્રંથાલયો સ્થાપીને મહારાજાએ પોતાની પ્રજા ભણી મમત્વ સાથે એવો અનુબંધ બાંધેલો કે પ્રજા માટે એ દેવ ગણાતા હતા.
મહારાજા સયાજીરાવ ગાયકવાડ પ્રજાવત્સલ અને કર્મનિષ્ઠ રાજવી હતા. તેમણે વડોદરા રાજ્ય અને પ્રજાના કલ્યાણ માટે દીર્ઘદ્રષ્ટિપૂર્વક વિકાસયોજનાઓ હાથ ધરી. રાજ્યભરમાં રસ્તાઓ, ઈમારતો, શાળાઓ અને લાયબ્રેરીઓને પ્રાધાન્ય આપ્યું. સયાજીરાવે 1879માં વડોદરા ખાતે 113 એકરનો વિશાળ સયાજીબાગ પ્રજાને અર્પણ કર્યો. સુંદર ફૂલ-છોડથી સુશોભિત વડોદરાના સયાજીબાગ (કમાટીબાગ)ની ગણના ભારતના શ્રેષ્ઠ ઉદ્યાનોમાં થઈ ચૂકી છે
મહારાજા સયાજીરાવે નામી-અનામી કલાકારોને રાજ્યાશ્રય આપી કલાપ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું. મહારાજા સયાજીરાવની નિશ્રામાં વિખ્યાત ઈટાલિયન કલાકાર ફેલિચી, બંગાળી શિલ્પી ફણીન્દ્રનાથ બોઝ, પ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિવર્મા, સંગીતજ્ઞ ઉસ્તાદ ફૈયાઝખાં વગેરે સમાવિષ્ટ છે. ફણીન્દ્રનાથ બોઝની કલાની પ્રશંસા તો ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર પણ કરી ચૂક્યા છે. મહારાજાએ વિશ્વના ચિત્તાકર્ષક શિલ્પ-તૈલચિત્રોની પ્રતિકૃતિઓ કરાવી. ઈટાલીના કલાધામ વેનિસના કલાકાર ફેલિચીએ વડોદરાના રાજમહેલમાં રહીને કાંસા અને સંગેમરમરનાં ખૂબસૂરત શિલ્પ રચ્યાં; મૂર્તિઓ બનાવી; મનોહર તૈલચિત્રો પણ રચ્યાં. તને ખબર છે, અનામિકા, કે રાજા રવિવર્માએ વડોદરામાં રહીને જ આપણા દેશના પ્રથમ પૌરાણિક તૈલચિત્રોના નિર્માણની શરૂઆત કરી હતી? ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા દાદાસાહેબ ફાળકેએ વડોદરાના કલાભવન ખાતે વિવિધ કલાઓનો અભ્યાસ કર્યો. મહર્ષિ અરવિંદને પણ મહારાજા સયાજીરાવે જ નિમંત્ર્યા હતા ને! સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ મણિશંકર રત્નજી ભટ્ટ વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક હતા. આપણા બંધારણના અગ્રગણ્ય ઘડવૈયા પૈકી એક બાબાસાહેબ ભીમરાવ આંબેડકર (બી. આર. આંબેડકર)ની પ્રગતિમાં વડોદરાના સયાજીરાવ ગાયકવાડનો ફાળો મહત્ત્વપૂર્ણ છે.
શ્રી અરવિંદ ઘોષ આઇસીએસ પરીક્ષા પાસ કરવામાં નિષ્ફળ રહ્યા છતાં મહારાજાની આંખમાં વસી જતાં એમને પહેલાં હિસાબી વિભાગમાં અને પછીથી અન્યત્ર સેવામાં લીધા હતા. આ જ શ્રી અરવિંદ ઘોષ બોમ્બ સંસ્કૃતિના પ્રણેતા અને ૧૯૦૭ની સુરત કોંગ્રેસ ટાણે જહાળ અને મવાળ પક્ષ વચ્ચે ભંગાણ સર્જાય એવું તોફાન કરવામાં સક્રિય એવા ટિળકવાદી હતા. ક્રાંતિકારી ઘોષના અંગ્રેજ શાસનને ભારતમાંથી ભગાડવાની વિચારધારાથી મહારાજા પરિચિત હતા છતાં એમને નોકરીમાં રાખ્યા હતા. ઘણી વાર મહારાજાને જણાવાયા છતાં તેમણે શ્રી અરવિંદને રુખસદ આપી નહોતી.
( ડો. હરિ દેસાઈ Wednesday 01st March 2017 -https://www.gujarat-samachar.com)
મહારાજા સયાજીરાવ ગાયકવાડ ને ખાસ સન્માનો થી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા તેઓ ને બ્રિટીશ સરકાર દ્વારા ખાસ ઇલ્કાબ ફરજંદે -ખાસ-એ-દૌલત-એ ઇંગ્લીશીયા આપવામાં આવ્યો. તેમના માનમાં ભારત સરકારે ટપાલ ટિકીટ બહાર પાડી છે. આ ઉપરાંત ઘણી જાહેર સંસ્થાઓ અને રસ્તાઓના નામ તેમના નામ પરથી પાડવામાં આવ્યા.
મહારાજા સયાજીરાવ ગાયકવાડ અન્ય શાસકો મન એક પ્રતિષ્ઠિત શાસક હતા. ૬૩ વરસના લાંબા અને મહત્વશીલ શાસન કાળ પછી સયાજીરાવ ગાયકવાડ નું 6 ફેબ્રુઆરી, 1939 ના રોજ મૃત્યુ થયું, અને તેમના પૌત્ર અને વારસદાર, પ્રતાપસિંહરાવ ગાયકવાડ બરોડાના આગામી મહારાજા બન્યા.
( ગુરુવાર, 17 માર્ચ, 2016,ગઢડિયા પ્રાથમિક શાળા ,http://gadhadiya.blogspot.com/2016/03/blog-post_96.html)