ઊર્ધ્વ અને નિમ્ન જગતો- પૃ.5

પ્રશ્ન: આપણે જ્યારે ઉચ્ચ ચેતનામાં નિવાસ કરતા થઈ જઈએ ત્યારે પણ નિમ્ન પ્રકૃતિ આપણામાં અત્યારે જે રીતે, ને જે કાર્ય કરતી હોય છે એ જ રીતે અને એ જ કાર્ય કરતી રહે ખરી ?

ઉત્તર : ના, એ સમયે ઉચ્ચ પ્રકૃતિ કાર્ય કરશે,-પણ એ માટે શરીર પણ ઉચ્ચ ચેતનામાં નિવાસ કરે એ જરૂરી છે.

પ્રશ્ન : મૃત્યુ કેવી રીતે થાય છે ? શું એ વિરોધી શક્તિઓનું કાર્ય હોય છે?

ઉત્તર : શરીર ક્ષીણ થવાથી, તેમજ માંદગી, હિંસા અને અકસ્માત દ્વાર મૃત્યુ થાય છે. માંદગી, હિંસા, અને અકસ્માત એ વિરોધી શક્તિઓના ખાસ હુમલાઓને કારણે થાય છે. શરીરનું ક્ષીણ થવું એ નિમ્ન પ્રકૃતિના દબાણનું કારણ છે.

પ્રશ્ન: કારણ શરીર (casual body) નું કાર્ય શું છે ? 

ઉત્તર : એ પડદા પાછળથી પ્રકટ થાય છે.

પ્રશ્ન : એ પડદાને ચીરીને કારણ શરીર કયારેય પણ અગ્રભાગે સ્થિત થશે ખરું ?

ઉત્તર : હા, ચેતના જો એટલી વિકાસ પામી જાય કે પછી એ ચેતના  માટે અતિચેતન એવું અધિમનસ કે અતિમનસ એ અતિચેતન ન રહે, તો એ શક્ય છે.

પ્રશ્ન: આપે જણાવ્યું છે સત્ય ચેતનામાં આપણને વસ્તુઓનું દર્શન, અત્યારની આપણી અવસ્થામાં થતાં દર્શન કરતાં તદ્દન જુદું જ થતું હોય છે. શું તમે તે સમયે- અતિમનસ ચેતનાનો ઉલ્લેખ કરી રહ્યા હતા ?

ઉત્તર : હું જેનો ઉલ્લેખ કરી રહ્યો હતો તે કોઈ પણ પ્રકારની સત્ય ચેતના, પ્રત્યક્ષ જ્ઞાનની ચેતના, અથવા આધ્યાત્મિક ચેતના, કે પછી અધિમનસ કે અતિમનસ ચેતના.

પ્રશ્ન : હું જ્યારે કોઇ ભૂલ કરી બેસું છું ત્યારે મારી અંદરનું કંઈક “તે” આમ શા માટે કર્યું ? તેં આમ શા માટે કર્યું ?’ એમ જોરથી અવાજ કર્યા કરે છે. શું એ નિમ્ન પ્રકૃતિ છે ?

ઉત્તર : હા-નિમ્ન મન એ જ રીતે વર્તે છે. ઉચ્ચ મન તો બૂમબરાડા પાડયા વગર ભૂલનો સ્વીકાર કરી લઈ એને સુધારી લે છે.

પ્રશ્નઃ ઉચ્ચ મન એ શું બુદ્ધિનો જ એક ભાગ-ઉચ્ચ ભાગ છે ?

ઉત્તર : ઉચ્ચ મન જાતે બુદ્ધિથી પર છે-જ્યારે એનો કોઈ અંશ અહીં નીચે ઊતરી આવે છે અને નિમ્ન મનના પદાર્થમાં એ અંશ ફેરવાઇ જાય છે ફક્ત ત્યારે જ, એ બુદ્ધિના એક ભાગ તરીકે કાર્ય કરે છે.

You may also like...