ઉપનિષદને વિષે
ઉપનિષદને વિષે બહુ થોડા લોકો જાણે છે. જયારે ઉપનિષદનો વિચાર કરીએ છીએ, ત્યારે ઘણે ભાગે આપણે શંકરાચાર્યનો અદ્વેતવાદ, રામાનુજનો વિશિષ્ટાદ્વૈતતવાદ કે મધ્વનો દ્વૈતવાદ વગેરે દાર્શનિકોની વ્યાખ્યાઓનો ખ્યાલ કરીએ છીએ. અસલ ઉપનિષદોમાં શું લખાણ છે,તેનો ખરો અર્થ શો છે,શા કારણે આવાં પરસ્પરવિરોધી છ દર્શનો એક જ મૂળમાંથી ઉત્પન્ન થયાં,અને એ છ એ દર્શનોથી અતીત કયો નિગૂઢ અર્થ એ જ્ઞાનના ભંડારોમાં મળી આવે છે, એ વિષે આપણે વિચારતા નથી. શંકરાચાર્ય જે અર્થ કરી ગયા છે તે જ અર્થ હજારો વર્ષોથી આપણે કરતા આવ્યા છીએ; શંકરાચાર્ય ના ભાષ્યને જ આપણે વેદ કે ઉપનિષદ ગણીએ છીએ.મૂળ ઉપનિષદના સ્વાધ્યાયની કોને પડી છે? કદાચ શંકરાચાર્યના ભાષ્યનું વિરોધી કોઈ બીજું ભાષ્ય જોવામાં આવે તો આપણે તેનો અસ્વીકાર કરીએ છીએ.અને આમ હોવા છતા ય આપણે જાણીએ છીએ કે ઉપનિષદોમાં માત્ર શંકરે મેળવેલું જ્ઞાન તો શું,પરંતુ ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળમાં જે આધ્યાત્મિક જ્ઞાન અથવા તત્વજ્ઞાન પ્રાપ્ત થયું હશે કે થશે, તે બધું આર્ય ઋષિઓએ તેમ જ મહાયોગીઓએ અત્યંત સંક્ષિપ્તરૂપે નિગૂઢ અર્થઘોતક શ્લોકોમાં નિબદ્ધ કર્યું છે.
શ્રી અરવિંદ
‘ઉપનિષદ’- શ્રી અરવિંદની બંગાળી રચનાઓ
પૃષ્ઠ–૪૯–૫૦