ઊર્ધ્વ અને નિમ્ન જગતો-પૃ.1

વર્ષ ૧૯૩૩

 પ્રશ્ન : માણસ જે પ્રચ્છન્ન રૂપે દિવ્યતાને ધારણ કરી રહ્યો છે – તે, આ પૃથ્વી ઉપર જડતત્ત્વમાં કેવી રીતે સમાવિષ્ટ થઈ ગયો ?

ઉત્તર : તમારો પ્રશ્ન પણ એ જ રીતે સમાવિષ્ટ થયેલો છે. જડતત્ત્વમાંથી માણસ ઉત્ક્રાંત થયો – અથવા તો કહો કે  કુદરતે જડતત્ત્વમાંથી પ્રથમ વનસ્પતિ, પછી  પ્રાણી સૃષ્ટિ અને પછી માણસ એમ નિયમિત ક્રમમાં ઉત્ક્રાંતિ સાધી છે. જે સમાવિષ્ઠ થયેલું છે તે માણસ નહિ પણ એ મન, પ્રાણ અને આત્મ તત્ત્વ છે. ‘સમાવિષ્ટ’ હોવું એટલે કે એ વસ્તુઓ દેખાય નહિ, છતાં અંદર હોય જ; જેમ કે વનસ્પતિમાં મનોમય ક્રિયા ઉદ્ભવતી હોય એમ દેખાતું નથી છતાં એમાં મન તત્ત્વ સમાયેલું છે જ. તે જ રીતે પથ્થરમાં જેમ હલનચલન તેમજ મનોમય ક્રિયા ઉત્પન્ન થતી દેખાતી નથી છતાં એમાં પ્રાણ તત્ત્વ અને મન તત્ત્વ સમાયેલું છે જ. ઉત્ક્રાંતિ જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ જડતત્ત્વમાંથી, સમાવિષ્ટ થયેલું પ્રાણ, તત્ત્વ (જીવન) પ્રકટ થતું જાય છે અને પોતે સુગઠિત સ્વરૂપ ધારણ કરવાની શરૂઆત કરી દે છે. આમ વનસ્પતિ સૃષ્ટિનું સર્જન થાય છે અને પછી આવે છે પ્રાણ સૃષ્ટિ તે પછી આવે છે મન- પ્રથમ પ્રાણીમાં અને પછી માણસ પ્રકટ થાય છે.

પ્રશ્ન : ઇશ્વરીય ચેતના એટલે શું?

ઉત્તર : ઈશ્વરીય ચેતનાનો અર્થ આપણે કરીએ છીએ આધ્યાત્મિક ચેતના, જે ચેતના માટે ફક્ત ઈશ્વરનું જ અસ્તિત્વ છે, કારણ કે એને માટે સર્વ કંઇ ઈશ્વર જ છે. અને એ ચેતના વડે વ્યક્તિ અજ્ઞાન તેમજ નિમ્ન પ્રકૃતિથી પર થઈ જઇ ઇશ્વર સાથે તેમજ ઈશ્વરીય પ્રકૃતિ સાથે એક્ય સાધે છે.  આપણે અહીં અજ્ઞાનમાં ડૂબેલાં છીએ અને ઈશ્વર પ્રત્યે સભાન નહિ હોવાથી નિમ્ન પ્રકૃતિને વશ વર્તીએ છીએ.

પ્રશ્ન : વિશ્વમાં કયાં બળો કાર્ય કરી રહ્યાં છે ?

ઉત્તર : એક તો દિવ્ય પ્રકૃતિનાં ઉચ્ચ પરિબળો છે -એ છે પ્રકાશ, સત્ય, દિવ્ય શક્તિ, શાન્તિ અને આનંદ -બીજા નિમ્ન પ્રકૃતિનાં પરિબળો છે, જે ઊતરતા પ્રકારનાં સત્ય તેમજ અજ્ઞાન અને દોષનાં પરિબળો છે. અને વિરોધી પરિબળો પણ હોય છે, જેમનું સંપૂર્ણ લક્ષ્ય જીવનના એક સ્થાપિત નિયમ તરીકે, અંધકાર, જૂઠાણું, મૃત્યુ અને દુઃખનું, સામ્રાજ્ય જળવાઇ રહે એ જોવાનું છે.

You may also like...