ચેતનાનાં કેન્દ્રો અને ભૂમિકાઓ – પૃ.8

પ્રશ્નઃ અધિમનસ અને અતિમનસ એ શું છઠ્ઠી તેમજ સાતમી ભૂમિકાઓ છે?

ઉત્તર : ના. અધિમનસ એ મનોમય ભૂમિકાનો જ ભાગ છે. અતિમનસ, ચોથી ભૂમિકા છે. સાતમી નહિ.

પ્રશ્ન : ચૈત્ય પુરુષની હાજરી સહિત ચોથા ચક્રને પ્રાપ્ત કરી લેવામાં આવે પછી પણ વ્યક્તિ નિમ્ન ત્રણ ચક્રોમાં સરકી જઈ શકે છે ?

ઉત્તર : ‘ચોથા ચક્રને પ્રાપ્ત કરવું’ એનો અર્થ તમે શું કરો છો ? આવિર્ભાવ પામેલ પ્રાણીમાં ચક્ર તો હોય છે જ – અતિમનસ્‌ની માફક એ કંઈ સ્વરૂપથી પર નથી હોતું.

પ્રશ્ન : ‘પ્રાપ્ત કરવું’ નો અર્થ સાધના દરમિયાન એ ‘ચક્રમાંથી પસાર થવું’ એમ હું કરું છું.

ઉત્તર : સાધક ચૈત્ય કેન્દ્ર કે બીજા એવા કોઈ કેન્દ્રમાંથી પોતે પસાર થતો હોય છે એવું નથી હોતું. એ તો સાધનાના દબાણને લઈને ચક્રો (કેન્દ્રો) ખૂલતાં જતાં હોય છે. તમે એમ કહી શકો કે ચક્રોમાં શક્તિનું આરોહણ-અવરોહણ થતું રહે છે.

પ્રશ્નઃ પાંચમું તથા છઠ્ઠું કેન્દ્ર ક્યું ?

ઉત્તર : પાંચમું ચક્ર છે ગળાનું ચક્ર (વસ્તુઓને બાહ્ય રૂપ આપતું, અભિવ્યક્તિ કરતું મન, શારીરિક મન અને છઠ્ઠું કેન્દ્ર એ બે ભ્રમરો વચ્ચે આવેલું, આજ્ઞા ચક્ર છે, જે આંતરિક વિચાર, સંકલ્પ તથા દર્શનનું કેન્દ્ર છે.

પ્રશ્ન: આપણાં ઊર્ધ્વ સ્તરો – ઊર્ધ્વમન – તેજસ્વી મન, અંતઃપ્રેરણા, અધિમનસ – અતિમનસ, એ શું આપમેળે જ ઈશ્વર સાથે સંપર્કમાં હોય છે ?

ઉત્તર : અલબત્ત, પરંતુ તમે એને “તમારાં સ્તરો’ ભાગ્યે જ કહી શકો, કારણ કે તમે એના વિશે સભાન હોતા નથી તેમજ એ તમારા પ્રકટ સ્વરૂપમાં કાર્ય કરવા માટે તથા પોતાની ફરજ બજાવવા માટે સંગઠિત થયેલાં હોતાં નથી.

પ્રશ્ન : ભૂમિકાઓ પર વ્યક્તિએ પહોંચવાનું રહે છે કે પછી એ પણ ચક્રોની માફક આપમેળે જ ખૂલતી હોય છે ?

ઉત્તર : ભૂમિકાઓ એકાગ્રતા દ્વારા તેમજ ચક્રોના ખૂલવાથી ખૂલતી હોય છે.

પ્રશ્ન : દરેક ભૂમિકાએ દિવ્ય પ્રકારની ઉચ્ચ શક્તિઓ રહેલી છે;  હવે જ્યારે પ્રાણશક્તિના હુમલાઓ આવે છે ત્યારે આ દિવ્ય શક્તિઓ વચ્ચે પડી આપણી વહારે થતી હોય એવું, આપણે કેમ અનુભવી શકતા નથી ?

ઉત્તર : તમે એ શક્તિ પ્રત્યે પૂરતા જાગ્રત હો અને એને આહ્વાન કરો તો તે જરૂર મદદ કરશે .

You may also like...