14.અંતે વંશાનુગત પ્રથા જ સર્વતંત્ર અને સ્વતંત્ર નિયમ એટલે કે નિરપવાદ નિયમ બની રહી

પ્રાચીનકાળમાં આનુવંશિકતાનો નિયમ જ વ્યવહારિક આધાર બની ગયો હતો. એમાં કોઈ સંદેહ નથી કે મનુષ્યનું સામાજિક કાર્ય અને પદ, પરિસ્થિતિ, પ્રસંગ, જન્મ અને સામર્થ્ય દ્વારા જ નિર્ધારિત થતું હતું. જે હજી પણ વધારે મુક્ત તથા અપેક્ષાકૃત અવ્યવસ્થિત સમાજોમાં જોવામાં આવે છે.

પરંતુ આ ચાર શ્રેણીઓમાં જેમ જેમ વર્ગીકરણ વધારે સ્થિર થઈ નિર્ણાયક રુપ લેવા માંડ્યું તેમ તેમ વ્યવહારમાં વ્યક્તિનું સ્થાન એટલે કે પદ-મર્યાદા મુખ્યત્વે જન્મ વડે નિર્ધારિત થવા લાગ્યું અને પાછળથી જાતિપ્રથામાં જન્મ જ પદ-મર્યાદાનું સામાજિક સ્થાન નક્કી કરવાનો નિયમ બની ગયો. બ્રાહ્મણના પુત્રનું સ્થાન સદા બ્રાહ્મણ જ હોય છે પછી ભલેને તેનામાં બ્રાહ્મણના વિશિષ્ટ ગુણો કે સ્વભાવનો કોઈ અંશ ન હોય, બૌદ્ધિક શિક્ષણ કે આધ્યાત્મિક અનુભવ કે ધાર્મિક યોગ્યતા કે જ્ઞાન જરા પણ ન હોય,પોતાના વર્ણના યથાર્થ કર્તવ્યોની સાથે કોઈ નાતો ન હોય, એના કર્મ અને સ્વભાવમાં બ્રાહ્મણત્વનું નામોનિશાન ન હોય.

આવું થવાનું વિકાસક્રમમાં અવશ્યંભાવી હતું કારણકે બાહ્ય ચિન્હો જ એકમાત્ર એવી વસ્તુઓ હોય છે કે જેને સહેલાઇથી અને સગવડતા પૂર્વક પરિમિત બનાવી નિર્ણાયક રૂપ આપી શકાય અને અધિકાધિક યાંત્રિક, જટિલ અને લોકાચારાત્મક સમાજ વ્યવસ્થામાં જન્મ જ વર્ણનિર્ધારણ કરવા માટે સહજ અને સુવિધાજનક વહેવારુ નિશાની થઈ પડી. વંશ પરંપરા અનુસાર માની લેવામાં આવેલ ગુણ તથા વ્યક્તિના સ્વાભાવિક ગુણ અને સામર્થ્ય માં જે વિરોધ અને અંતર હતું તેને થોડા સમય સુધી તો શિક્ષા અને પ્રશિક્ષણ દ્વારા દૂર કે ઓછું કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ આવો પ્રયત્ન સ્થિર રૂપે દીર્ઘકાળ સુધી ચાલુ રહી શક્યો નહીં અને અંતે વંશાનુગત પ્રથા જ સર્વતંત્ર અને સ્વતંત્ર નિયમ એટલે કે નિરપવાદ નિયમ બની રહી.

You may also like...