16. ગીતાનું લક્ષ્ય છે મનુષ્ય ના આંતરિક સત્યને તેના બાહ્ય જીવન સાથે જોડી દેવું
ચાતુર્વણ્યના બાહ્ય રૂપ ઉપર નહીં પરંતુ તેના આંતરિક સત્ય ઉપર ગીતા જે ભાર મૂકે છે તેમાંથી સ્વધર્મનું પાલન કરવા માટે જે આધ્યાત્મિક અર્થ અને પ્રભાવ પ્રતિપાદિત કર્યો છે તે સિદ્ધાંત અહીં ફલિત થાય છે. અને તે જ છે આ પ્રકરણનો મૂળભૂત આશય અને મહત્વનો અર્થ.
બાહ્ય સામાજિક વ્યવસ્થા સાથે ગીતાના આ સિદ્ધાંતનો અતિરેક કરી દઈને ગીતાનો મૂળ ઉદ્દેશ જાણે એના બાહ્ય સ્વરૂપને સમર્થન કરી તેને ધાર્મિક કે દાર્શનિક સિદ્ધાંત દ્વારા માન્ય કરવાનો ન હોય! વાસ્તવમાં, વર્ણ વ્યવસ્થા જે એક નિયત બાહ્યાચારમાં જે સિદ્ધાંતને ગીતા કાર્યન્વિત કરવા માટે પ્રયત્ન કરતી હતી તે તેના બાહ્ય નીતિનિયમો ઉપર ખૂબ જ ઓછું અને તેના આંતરિક નિયમો ઉપર વધારે ભાર મૂકે છે. આ પ્રકરણમાં ગીતાની વિચાર દ્રષ્ટિ આ આંતરિક સિદ્ધાંતના વૈયક્તિક તેમજ આધ્યાત્મિક મૂલ્ય ઉપર જ સ્થિર થઈ છે નહીં કે સામાજિક- આર્થિક કે સામાજિક-સાંસ્કૃતિક ઉપર.
ગીતા યજ્ઞ ના વૈદિક સિદ્ધાંતનો પણ સ્વીકાર કરે છે પરંતુ એમાં એક આંતરિક સ્વાનુભવ પ્રધાન અને વિશ્વવ્યાપી અર્થ પ્રદાન કરી તેને એક આધ્યાત્મિક ભાવ અને લક્ષ્ય પ્રતિ મહત્વની દિશા ચીંધી આપે છે. એમ થતાં એના બધાં જ મૂલ્યોમાં ધરખમ ફેરફાર થઈ જાય છે.એ જ રીતે અહીં પણ ગીતા ચાતુર્વણ્ય ના વાદનો વૈદિક સિદ્ધાંત મુજબ સ્વીકાર કરે છે પરંતુ એને એક દિશા, એક આંતરિક, આત્મગતપ્રધાન તેમજ વૈશ્વિક અર્થ પ્રદાન કરે છે અને તેને કારણે આ પ્રચલિત ચાતુર્વણ્ય ના સિદ્ધાંતના મૂળભૂત મૂલ્યમાં આમૂલ પરિવર્તન આવી જાય છે અને તે એક એવું સ્થાયી અને જીવંત સત્ય બની જાય છે અને તે કોઈ સામાજિક પ્રણાલી કે વ્યવસ્થાની અસ્થિરતાની સાંકળ દ્વારા બંધાતી નથી. આર્યોની સમાજ વ્યવસ્થા કે જે અત્યારે વિલુપ્ત બની ચૂકી છે અથવા તો મૃતપાય સ્થિતિમાં છે તેને માન્યતા પ્રદાન કરવાનો ગીતાનો ઉદ્દેશ નથી. અને જો એવું હોત તો સ્વભાવ અને સ્વધર્મના એના સિદ્ધાંતમાં કોઈ સનાતન સત્ય કે સ્થાયી મૂલ્ય ન હોત. ગીતાનું લક્ષ્ય છે મનુષ્ય ના આંતરિક સત્યને તેના બાહ્ય જીવન સાથે જોડી દેવું તેમજ આત્મા અને પ્રકુતિ ના આંતરિક નિયમ મુજબ તેના કર્મ નો વિકાસ બતાવવાનો છે.