18. ગીતાના ઉપદેશમાં અંતર્નિહિત ત્રણ મંતવ્યો

આ પ્રકરણ પર દ્રષ્ટિપાત કરતા ત્રણ મંતવ્યો આપણી સમક્ષ પહેલી નજરે ઉપસ્થિત થાય છે અને અહીં ગીતામાં જે પણ કાંઈ કહેવામાં આવ્યું છે તેમાં આ ત્રણે અંતર્નિહિત સમજી શકાય છે.

પહેલું છે, સર્વ કર્મો અંતરમાંથી જ નિર્ધારિત થતાં હોવા જોઈએ, કારણકે પ્રત્યેક મનુષ્ય ની અંદર કોઈ પોતાનું નિજ તત્વ હોય છે, પોતાની પ્રકૃતિનો વિશિષ્ટ ધર્મ અને સહજાત શક્તિ-( inborn power), તે જ હોય છે તેના આત્માની કાર્યસાધક શક્તિ અને તે જ સર્જન કરે છે એના પ્રકૃતિગત આત્માનો ક્રિયાત્મક સ્વરૂપ. કર્તવ્ય કર્મ દ્વારા તેને વ્યક્ત કરી પૂર્ણતા વાળુ બનાવવું, શક્તિ-સામર્થ્યમાં, વર્તનમાં જીવનમાં એને પ્રભાવોત્પાદક એટલે કે અસરકારક બનાવવું તેનું સાચું કાર્ય છે. એ જ સહજ શક્તિ તેના અંતર અને બાહ્યજીવનના સાચા માર્ગને ચીંધે છે અને આગળના વિકાસ માટેનું યથાર્થ પ્રારંભ બિંદુ હોય છે.

આ પહેલું મંતવ્ય એટલે કે નિયમ ફક્ત વ્યક્તિગત માટે જ છે એવું નથી પરંતુ સમાજ, રાષ્ટ્ર, સામુદાયિક આત્મા તેમજ વિશ્વ પુરુષ સંબંધે પણ એટલો જ સાચો છે.

બીજું મંતવ્ય છે, વ્યાપક પણે જોતાં, મનુષ્યની પ્રકૃતિ ચાર શ્રેણીઓમાં વિભક્ત થઈ છે. દરેક શ્રેણીને પોતાનો વિશિષ્ટ ધર્મ હોય છે, કર્મનો અને સ્વભાવનો પોતાનો વિશિષ્ટઆદર્શ નિયમ હોય છે અને આ પ્રત્યેક શ્રેણી માનવને તેના કર્મનું સાચું ક્ષેત્ર કયું છે એ બતાવે છે અને તેના બાહ્ય સામાજિક જીવનના કાર્યક્ષેત્રનું વર્તુળ અંકિત કરી આપે છે.

ચતુર્વણ્ય અને તેમના કાર્યો અંગેનો બીજું મંતવ્ય એટલો સીધો સાદો અને નિશ્ચયાત્મક નિયમ છે કે તે જીવનની જટિલતા અને માનવ પ્રકુતિની નમનિયતાને પર્યાપ્ત માત્રામાં ધ્યાનમાં લેતો નથી એટલે વધારે વિવાદગ્રસ્ત રહે છે ..પરંતુ ઉપલી સપાટી પરથી નીચે દ્રષ્ટિપાત કરતા તેમાં એક ગંભીરતર અર્થ પણ જણાય છે જેને લઇને એનું મૂલ્ય ઓછું ચર્ચાસ્પદ બની રહે છે.

છેવટનું ત્રીજુ મંતવ્ય છે,મનુષ્ય જે પણ કોઈ કર્મ કરે અને જો તે એની પ્રકૃતિના સત્ય પ્રમાણેનું, એના સ્વધર્મ પ્રમાણેનું હોય તો તેને પ્રભુ પ્રત્યે વાળી શકાય છે અને એવા કર્મને આધ્યાત્મિક મુક્તિ અને પૂર્ણતા પ્રાપ્ત કરવાનું પ્રભાવી સાધન બનાવી શકાય છે.

આ ત્રણ મંતવ્યોમાં, પહેલું અને છેલ્લુ મંતવ્ય સુસ્પષ્ટરૂપે સત્યપૂર્ણ અને ન્યાયસંગત વિચાર છે. નિસંદેહ મનુષ્યના વ્યક્તિગત અને સામાજિક જીવન-વ્યવહારમાં સિદ્ધાંતોની વિપરીત વસ્તુઓ દેખાતી હોય છે કારણકે જીવનમાં આપણે બાહ્ય જરૂરિયાતો, પ્રચલિત રીતિ અને નીતિ-નિયમોનો ભયાનક ભાર વહન કરતા હોઈએ છીએ. અને આત્મ-અભિવ્યક્તિ માટે, જીવનમાં આપણા સાચા વ્યક્તિત્વ, સાચા આત્મા, આપણા અંતરતમ વિશિષ્ટ સ્વધર્મના વિકાસ માટે જે જે જરૂરિયાતો છે એમાં ડગલે ને પગલે હસ્તક્ષેપ થતો હોય છે, એ જરૂરિયાતો ઉપર આઘાત પહોંચાડવામાં આવે છે, અને સાચા માર્ગેથી તેને ચલિત કરવામાં આવે છે. આમ માનવની આજુબાજુની પરિસ્થિતિ અને વ્યવસ્થા તેને ખૂબ જ થોડા અવસર અને સીમિત ક્ષેત્ર પ્રદાન કરે છે.

You may also like...