22. કોઈપણ સમાજમાં આ ચારેય શ્રેણીઓ હોવી જોઈએ
માનવ પ્રકૃતિમાં આ ચારેય વ્યક્તિત્વના કોઈને કોઈ અંશ વિકસિત કે અવિકસિત માત્રામાં , વ્યાપક કે સંકુચિત, દબાયેલ કે સપાટી પર ઉભરી આવેલ હંમેશા મોજૂદ હોય છે. પરંતુ મોટેભાગે, મનુષ્યમાં આ ચારેયમાંથી એક યા બીજું વ્યક્તિત્વ પ્રબળ બની ઉપર ઊભરી આવવાનો પ્રયત્ન કરે છે અને કેટલીક વાર તો આ પ્રબળ બનેલું વ્યક્તિત્વ કર્મના સંપૂર્ણ ક્ષેત્રને પોતાના હાથમાં લઈ લેતું પ્રતીત થાય છે.
કોઈપણ સમાજમાં આ ચારેય શ્રેણીઓ હોવી જોઈએ. ભલેને પછી આધુનિક યુગનો ઉત્પાદનશીલ અને વ્યવાસાયિક સમાજ યા તો મજૂરોનો બનેલો શુદ્ર સમાજ કેમ ન હોય.આવા સમાજોની અંદર પણ
- સત્યની ખોજ કરનારા અને જીવનના માર્ગદર્શક નિયમોને શોધનારા વિચારકો એટલે કે બ્રાહ્મણો તો હશે જ,
- ઉદ્યોગ સાહસિકતાના બહાને સાહસિક, યુદ્ધ, નેતૃત્વ અને પ્રભુત્વની વૃત્તિને સંતોષનારા લોકો પણ હશે.
- તે ઉપરાંત એકમાત્ર ઉત્પાદનનું જ કાર્ય કરનારા અને ધનોપાર્જન કરનારા મનુષ્ય પણ હશે તથા
- શ્રમ કરનારા અને તેના બદલામાં મળતા પુરસ્કારથી સંતુષ્ટ એવા શ્રમિકો પણ હશે જ.
પરંતુ આ બધી વસ્તુઓ બાહ્ય છે અને એ જો સર્વસ્વ હોય તો માનવજાતિની આ આર્થિક શ્રેણી-વ્યવસ્થાનું કોઈ આધ્યાત્મિક મૂલ્ય રહેતું નથી. વધારામાં, જેમ ભારત-વર્ષમાં માનવામાં આવતું તેમ આપણે જીવન વિકાસ દરમિયાન આ જન્મમાં આ બધી શ્રેણીઓમાંથી પસાર થવાનું રહે છે કારણકે આપણે નાછૂટકે પણ તામસિક, રાજસ – તામસિક, રાજસિક, રાજસ- સાત્વિક વિગેરે જુદી જુદી અવસ્થાઓમાં થઈને છેવટે સાત્વિક પ્રકુતિ પ્રતિ આગળ વધવાનું છે. અંતરમાં આરોહણ કરીને આંતરિક બ્રાહ્મણત્વમાં આપણી જાતને દ્રઢપણે પ્રતિષ્ઠિત કરી મુક્તિની ખોજ કરવાની છે. પરંતુ એમજ જો હોય તો ગીતા એવું જે કથન કરે છે કે શુદ્ર અને ચાંડાલ પણ પોતાનું જીવન ઈશ્વર પ્રતિ વાળીને સીધેસીધા આધ્યાત્મિક મુક્તિ અને પૂર્ણતા પ્રતિ પહોંચી શકે છે તેને માટે તર્કની દ્રષ્ટિએ કોઈ સ્થાન રહેશે નહી.