4. શૂન્ય મન અને સ્થિર મન વચ્ચેનો તફાવત

શૂન્ય મન અને સ્થિર મન વચ્ચેનો તફાવત આ પ્રમાણે છે : જયારે મન શૂન્ય એટલે કે ખાલી હોય છે ત્યારે એમાં એક પણ વિચાર, એક પણ વિભાવન કે કલ્પના, કોઇ પણ પ્રકારની માનસિક ક્રિયા હોતી નથી, સિવાય કે વિચાર રૂપે સાકાર થયેલ નથી એવું વસ્તુમાંનું મૌલિક સંવેદન. પરંતુ સ્થિર મનમાં માનસિક સત્વનું વસ્તુ જ પ્રશાંત થઇ ગયું હોય છે, એટલું પ્રશાંત કે એમાં કશાથી ક્ષોભ થતો જ નથી. એવા સ્થિર મનમાં વિચારો કે માનસિક પ્રવૃતિઓ આવે તો પણ તે એ મનમાંથી ઉદભવતી નથી, પણ બહારથી આવતી હોય છે અને પવનની લહેર વગરના સ્તબ્ધ વાતાવરણમાં જેમ પંખીઓનું ટોળૂ આકાશમાં થઈને પસાર થઇ જાય તેમ એ વસ્તુઓ સ્થિર મનમાંથી પસાર થઇ જાય છે. એ વસ્તુ એમાં થઇને પસાર થાય છે એ ખરું, પરંતુ પસાર થતી વેળા કશો પણ ક્ષોભ ઉત્પન્ન કરતી નથી, કશી અસર પાછળ મૂકતી નથી. હજારો રૂપો અથવા તો ઉગ્ર ઘટનાઓ એવા મનમાં થઇને પસાર થાય તો પણ એની સ્થિર પ્રશાંતતા જેવીને તેવી રહે છે, જાણે કે એ માનસિક પટનું પોત સનાતન, અવિનાશી શાંતિના પદાર્થનું જ બનેલું ન હોય, આ જાતની સ્થિથરતાને પ્રાપ્ત થયેલું મન પોતે કાર્યનો આરંભ કરી શકે છે. સમર્થ પણે અને તીવ્રતાપૂર્વક પણ કાર્ય કરી શકે છે, છતાં એની મૌલિક પ્રશાંતતા તો એવી રહેશે કારણ કે પોતામાંથી તે કશાનો, કોઇ પણ કર્મનો, આરંભ જ નહિ કરતું હોય, ૫રંતુ ઉર્ધ્વમાં રહેલ પ્રભુ તરફથી જે કાંઇ આવશે તેને પોતાનામાં ગ્રહણ કરશે તથા એમાં પોતાના તરફથી કાંઇ પણ ઉમેર્યા વિના તેને કેવળ માનસિક આકાર આપશે અને એ કાર્ય તે સ્થિરતાપૂર્વક, આવેશ વિના કરશે છતાં એ પોતે પ્રવૃતિમાં રહેલ સત્યનો આનંદ અનુભવશે અને પોતાનામાં થઇને સત્ય ગતિ કરતું હોવાને લઇને તેની સુખદાયી શકિતનો અને જયોતિનો અનુભવ પણ તેને થશે.

You may also like...