5. નીરવતાની પ્રાપ્તિ માટે અનિવાર્ય શરતો
મન નીરવ થઇ જાય, વિચારોથી મુકત અને પ્રશાંત બને એ વસ્તુ અનિષ્ટ નથી. કારણ કે મોટે ભાગે જયારે મન એ પ્રમાણે નીરવ બને છે ત્યારે તેની ઉપરના લોકમાંથી વ્યાપક શાંતિનું પૂરેપુરું અવતરણ થઇ શકે છે. અને વ્યાપક શાંતિમાં આપણા માનસિક સ્તરની ઉપર પોતાની અસીમતામાં સર્વત્ર વિસ્તરી રહેલા નીરવ આત્માનો સાક્ષાત્કાર થાય છે. પણ એક વસ્તુ છે કે જયારે એવી માનસિક શાંતિ અને નીરવતા થાય છે ત્યારે રાજસિક, કામનામય મન એ નીરવતામાં ધસી જઇને ખાલી પડેલા સ્થાનનો કાબૂ લેવાનો પ્રયત્ન કરે છે. અથવા તો યંત્ર જેવું જડ, સ્થૂલ મન રોજિંદા, નિર્જીવ અને અભ્યાસ રૂપ થઇ રહેલા વિચારોની ઘટમાળ જાગ્રત કરીને તેના વડે એ નીરવતાની જગા રોકી લેવા પ્રયત્ન કરે છે. આ બહારની વસ્તુઓનો સાધકે સાવધાનીપૂર્વક ત્યાગ કરવાનો છે તથા તેમને શાંત રાખવાનાં છે, જેથી કરીને, કાંઈ નહિ તો ધ્યાનના સમય પૂરતી, મનની અને પ્રાણની શાંતિ અને સ્થિરતા પૂરેપુરી જળવાઇ રહે. જો તમે સમર્થ અને નીરવ સંકલ્પ શકિતને સતત જાગ્રત રાખશો. તો એ કામ સૌથી સારામાં સારી રીતે થશે. એ સંકલ્પ શકિત મનની પાછળ રહેલ પુરૂષની પોતાની સંકલ્પશિકત છે. જયારે મન શાંત હોય છે, નીરવ હોય છે. ત્યારે આપણને પ્રકૃતિનાં કાર્યથી જુદા એવા નીરવ પુરુષનું ભાન થાય છે.
સ્થિર અને ધીર થવા માટે, આત્મતત્વમાં દૃઢ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે, મનની આ અચંચળતા, અંતરમાં પુરૂષનું બાહ્ય પ્રકૃતિથી છૂટાપણું સિદ્ધ કરવું એ ઘણુંજ સહાયકર્તા થઇ પડે છે, લગભગ અનિવાર્ય છે. જયાં સુધી આપણી અંતરની સત્તા વિચારોના ઝંઝાવાતોને યા તો પ્રાણની અશાંત ગતિને વશ હોય છે ત્યાં સુધી સાધક સ્થિર અને ધીર થઇ શકતો નથી. પોતાની જાતને એ વસ્તુઓથી જુદી પાડવી, એમનાથી છૂટા પડીને અંતરમાં દૂર ઊભા રહેવું, પોતાનાથી પ્રકૃતિની એ ક્રિયાઓ જુદી છે એમ અનુભવવું અનિવાર્ય છે, અત્યંત આવશ્યક છે.
આપણી અંદર રહેલ સાચી વ્યકિતતાની શોધ કરવા માટે તથા આપણી પ્રકૃતિમાં એનું ઘડતર ઘડવા માટે બે વસ્તુઓ આવશ્યક છે. એક, હદયની પછળ આવી રહેલ ચૈત્ય પુરુષ યાને અંતરાત્મા વિષે સચેતન થવું, અને બીજુા, ઉપર જણાવ્યા પ્રમાણે પ્રકૃતિ અને પરૂષ વચ્ચે ભેદ સિદ્ધ કરવો. કારણ કે આપણું સાચું વ્યકિતત્વ બાહ્ય પ્રકૃતિની ક્રિયાઓના આવરણ પાછળ ઢંકાયેલું હોય છે.