6. સાધનાને માટે મનના વિચારો ઉપરનો સંયમ આવશ્યક છે
સાધનાને માટે પ્રાણની કામનાઓનો અને આવેગોનો, અથવા તો આપણા શરીરની ક્રિયાઓનો સંયમ જેટલો જરૂરનો છે તેટલો જ આપણા વિચારો ઉપરનો સંયમ પણ આવશ્યક છે. અને આ વસ્તુ ફકત સાધના માટે જરૂરી છે એમ નથી. જયાં સુધી પોતાના વિચારો પર માણસોનો સંયમ હોતો નથી તથા જે માણસ મનોમય પુરુષ, પોતાના વિચારોનો સાક્ષી, અનુમન્તા અને ઇશ્વર બની શકતો નથી. ત્યાં સુધી તે એક સામાન્ય વિકાસ પામેલ મનોમય પ્રાણી પણ બની શકતો નથી.
જેમ પ્રાણની કામનાઓના અને આવેગોના વાવાઝોડામાં સુકાન વગરના વહાણ જેવા થઇ રહેવું, યા તો દેહની જડતાના કે તેની વાસનાઓના દાસ બનવું માણસને માટે યોગ્ય નથી તેમ ઉચ્છૃંખલ, અરાજક અને અદમ્ય વિચારોની અથડાઅથડીમાં ટેનિસના દડા પેઠે આમથી તેમ ફૈકાવું એ પણ મનોમન પ્રાણી માટે યોગ્ય નથી.
એ કાર્ય સાધવું વધારે મુશ્કેલ છે તે હું જાણું છું. કારણકે માણસ મુખ્યત્વે કરીને માનસિક પ્રકૃતિવાળું પ્રાણી હોવાથી પોતાના મનની ક્રિયાઓ જોડે તે સહેલાઇથી એક થઇ જાય છે, તદરૂપ બની જાય છે અને મનની વૃત્તિઓના વંટોળિયાની ભમરીઓ અને ઘૂમરીઓમાંથી પોતાની જાતને છૂટીકરી શકતો નથી. તથા તેમનાથી તટસ્થ થઇને બહાર ઊભો રહી શકતો નથી. દેહ ઉપર, કાંઇ નહિ તો તેની અમુક ક્રિયાઓ ઉપર, સંયમ રાખવો સહેલો છે; પ્રાણના આવેગો અને કામનાઓ સાથે અમુક વખત સુધી બાથ ભીડીને તેમના ઉપર મનનો કાબૂ સ્થાપન કરવાનું કામ વધારે મુશ્કેલ છતાં થોડી મથામણને અંતે સંભવિત બને છે. પરંતુ નદીના પ્રવાહ ઉપર નિર્લેપ બેઠેલા તાંત્રિકની પેઠે પોતાના વિચારના વંટોળિયાથી પર રહેવાનું કાર્ય એટલું સહેલું નથી. છતાં એ કાર્ય થઇ શકે તેવું છે.