3. અચંચળ મન એટલે શું? અને તેની અગત્યતા

નિશ્વલ નીરવતા હમેશાં હિતકારી છે. પરંતુ જયારે હું મનની અચંચળતા વિષે કહું છું ત્યારે તેનો અર્થ મનની સંપૂર્ણ નીરવતા એવો કરવાનો નથી.અચંચળ મન એટલે ક્ષોભથી અને કલેશથી મુકત, સ્થિર, નિશ્વત અને પ્રફુલ્લ મન. એવું મન આપણી પ્રકૃતિનું રૂપાંતર કરનારી પ્રભુની દિવ્ય શકિત પ્રત્યે ખુલ્લુ થઇ શકે છે. આપણા મનને અશાંતિ ઉત્પન્ન કરનાર ખ્યાલોના, ખોટી લાગણીઓના, વિચારોની અવ્યવસ્થાના, દુઃખકર પ્રવૃતિઓના હુમલાઓથી ઘેરાયેલો રહેવાનો અભ્યાસ પડી ગયો હોય છે. તેનાથી મુકત થવું એ અગત્યનું છે. કારણ કે વસ્તુઓ પ્રકૃતિમાં અશાંતિ પ્રગટાવે છે. તથા તેના પર આવરણ પાથરે છે. તથા દિવ્ય શકિતના કાર્યને મુશ્કેલ બનાવે છે. જયારે મન અચંચળ અને શાંત હોય છે ત્યારે દિવ્ય શકિત વધારે સહેલાઇથી પોતાનું કાર્ય કરી શકે છે. તમારી અંદર જે વસ્તુઓમાં પરિવર્તન થવાની જરૂર હોય તેમને અશાંત કે નિરાશ થયા વિના જોવાં તમારે માટે શકય હોવું જોઇએ. એમ કરવાથી રૂપાંતર ઘણી વધારે સહેલાઇથી થઇ શકે છે.

You may also like...