12. વર્ણ-વ્યવસ્થાના સાંસ્કૃતિક આદર્શ સાથે ગહન આધ્યાત્મિક અર્થ અને ઉપયોગિતા જોડી દેવું એ છે ગીતાના ઉપદેશનું સાચું પ્રદાન
આ આર્થિક કર્મ-વિભાગની સાથે એક સાંસ્કૃતિક વિચાર પણ જોડવામાં આવ્યો હતો જેને પરિણામે પ્રત્યેક વર્ગને પોતાને એક ધાર્મિક રિવાજ, રૂઢિ, મોભાનું ધોરણ, નૈતિક નિયમ, યોગ્ય કેળવણી, ધંધાનું શિક્ષણ, ચારિત્યની વિશેષતા , કુટુંબનો આદર્શ અને શિસ્ત એને પ્રદાન કરતો હતો. પરંતુ વાસ્તવિક-જીવન અને આદર્શ-જીવન હંમેશા મેળમાં હોય એવું હોતું નથી – માનસિક આદર્શ અને પ્રાણિક તથા ભૌતિક વ્યવહાર વચ્ચે હંમેશાં એક ખાઈ તો રહે જ છે પરંતુ એ બંને વચ્ચે મેળ જાળવવા માટે બની શકે એટલો ભારે પ્રયત્ન કરવામાં આવતો હતો. ભૂતકાળના એ પ્રયત્નનું મહત્વ અને એને લઈને સાંસ્કૃતિક આદર્શ અને વાતાવરણે સામાજિક માનવને તૈયાર કરવા માટે જે ફાળો આપ્યો હતો તેનું મુલ્ય જેટલું આંકીએ તેટલું ઓછું છે. આજે એ મૂલ્ય કેવળ ઐતિહાસિક છે,- ભૂતકાળ અને સમુત્ક્રાંતિ પૂરતું એનું મૂલ્ય છે. છેવટ જતાં, જ્યાં જ્યાં એ વર્ણ-વ્યવસ્થા વિદ્યમાન રહી હતી ત્યાં ત્યાં એને, ઓછા વધારે પ્રમાણમાં, ધાર્મિક મંજૂરી મળી હતી( પૂર્વમાં વધારે, યુરોપમાં ઓછી) તથા ભારતમાં એનો એક વધારે ગહન આધ્યાત્મિક અર્થ અને ઉપયોગ સાથે જોડી દેવામાં આવ્યો હતો. એ આધ્યાત્મિક મુલ્ય જ ગીતાનો વાસ્તવિક સાર – સાચો ઉપદેશ છે.